દરરોજ પોતાને હરાવતો માણસ : ‘રોનાલ્ડો’ બનવાનું રહસ્ય

જયારે તે બોલને કિક મારે છે ત્યારે એ બોલની ગતિ એક પૃથ્વી પરથી અવકાશમાં છોડાયેલ સ્પેસ શટલની ગતિ કરતાં પણ વધારે હોય છે. તેમના પગમાંથી નીકળેલો દરેક શોટ પર કરોડો લોકોના શ્વાસ અટકાયેલા હોય છે.

લિયોનલ મેસી બાદ દરેક વર્લ્ડ કપમાં રમનારો ખેલાડી, જયારે પણ ગ્રાઉન્ડ પર ઉતરે છે ત્યારે દુનિયામાં મોટા ભાગની નજરો તેમના પર હોય છે. દુનિયાના સૌથી લોકપ્રિય રમત, ફૂટબોલના ખેલાડી છે, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (cristiano ronaldo)

દુનિયાની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલનો આ મહાન ખેલાડી માત્ર એક નામ નથી, પરંતુ એક પ્રેરણા છે. ફૂટબોલની રમત પાછળ આપણે સૌ પાગલ છીએ. 4-5 વર્ષના છોકરાને પૂછશો કે “તને શું બનવું છે?” તૉ તે કહેશે “રોનાલ્ડો” , આપણે ફૂટબોલ જાણીએ કે ના જાણીએ,પણ બધાએ ‘રોનાલ્ડો’ નું નામ સાંભળ્યું જ છે. એક એવુ વ્યક્તિત્વ જેને લગભગ આખી દુનિયા ઓળખે છે.

ઇન્સ્ટાગ્રામ પર વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ, ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ, અસંખ્ય ટ્રોફીઓ અને રેકોર્ડ્સ, આ બધું આપણે જાણીએ છીએ. પરંતુ સફળતાના આ ચમકતા પડદા પાછળ એક એવી દુનિયા છે, જે ભાગ્યે જ કોઈને દેખાય છે.

જયારે પણ આપણે કોઈ સફળ વ્યક્તિત્વની વાત કરીએ કે જાણીએ ત્યારે હંમેશા તેમની ઓળખ અને સિદ્ધિઓ અને રેકોર્ડ્સ જોઈએ છીએ. પરંતુ એમના પાછળનું એમનું ડેડીકેશન, એમની મહેનત અને તેમની પદ્ધતિઓને ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. દુનિયામાં ઘણી રમતો છે, અને રમતવીરો પણ, પણ રોનાલ્ડોને ‘રોનાલ્ડો’ બનવાવનાર રહસ્ય માત્ર કોઈ પ્રતિભા જ નથી, એ છે એક અદ્દભુત શિસ્ત, જેને જાણવું એ માત્ર નોલેજ જ નહીં પણ આવનારી પેઢી જેમાંથી પ્રેરણા લઈ શકે એવી અત્યંત ગૂઢ એક શિસ્ત છે. એક એવી ટ્રેનિંગ જે માત્ર શરીરના સ્નાયુઓ પર જ નહીં પરંતુ ઊંઘ, લોહીના હોર્મોન્સ, અને તેના તાપમાન પર પણ કામ કરે છે. એક નામ મળવા પાછળના રહસ્યો જાણશો તૉ તમે ચોકી જશો.

રમતવીરો માટે ડાયેટ અને પ્રેક્ટિસ સૌથી વધારે મહત્વનું ધરાવે છે. પરંતુ રોનાલ્ડોની બાબતમાં આટલુ જ મહત્વનું નથી.તે 41 વર્ષના છે, અને 2026 ના ફૂટબોલના વર્લ્ડ કપમાં રમવા માટે તે વર્ષના 1 મિલિયન ડોલરથી પણ વધારે ખર્ચ એમની ફિટનેસ ટ્રેનિંગ પાછળ કરે છે.કારણ કે તેને ખબર છે કે મહાનતા એક વખત મેળવી લેવાની વસ્તુ નથી, પરંતુ દરરોજ ફરીથી કમાવાની પ્રક્રિયા છે.

સ્લીપ આર્કીટેક્ચર

તમે કદાચ પહેલી વાર નામ સાંભળ્યું હશે કે એવા પણ ટ્રેનર હોય શકે, જે લોકોને ‘સુતા’ શીખવાડે. રોનાલ્ડો પાસે એવા સ્લીપ કોચ છે જે એમની ઊંઘનું આયોજન કરે છે જે એમને 90-90 મિનિટના નેપ લેવાની સલાહ આપે છે,જે ટોટલ 7.30 કલાક ના હોય છે. શરીરને વધારે જાગૃત કરવા માટે તેમને આ રીતે સુવાની પ્રક્ટિસ કરાવવામાં આવે છે. તેમના કોચ નિક બ્રોડ, રોનાલ્ડોની સ્લીપ સાયકલ્સનું મેનેજમેન્ટ કરે છે, આ દરમ્યાન તે તેમના રૂમના પ્રકાશ અને તેમના ટેમ્પરેચરનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

મસાજ અને થેરાપી

રોનાલ્ડો તેમના શરીરની કાળજી માટે અધ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.તે તેમના શરીરની ઈજાઓ તેમજ સ્નાયુઓ માટે ખાસ થેરાપી લે છે, જેની વાર્ષિક કિંમતો કરોડો ઉપર છે, જેમાં ક્રેયો થેરાપી, રેડ લાઈટ થેરાપી, હાઇડ્રાથેરાપી તેમજવિવિધ મસાજનો સમાવેશ થાય છે.

તે લગભગ 60,000 ડોલરથી બનાવેલી બરફની વિશેષ ચેમ્બરનો ઉપયોગ કરે છે જેનું તાપમાન -160 °C જેટલું હોય છે. અત્યંત ઠંડા તાપમાને 3 મિનિટના સેશન દરમ્યાન તે મસલ્સ હીલિંગની થેરાપી લે છે. જે થાક પણ ઘટાડે છે. આ ઉપરાંત હાઇડ્રોથેરાપી દ્વારા ઠંડા અને ગરમ સ્નાન કરે છે જે તેમના બ્લડ સર્ક્યુલેશનને નિયંત્રણ કરે છે. વિવિધ મસાજ દ્વારા તે શરીરમાં લેક્ટિક એસિડને બનતા રોકે છે, જે ટીસ્યુ રીપેરીંગમાં મદદ કરે છે.

તેમની ડેઇલી એક્સરસાઈઝ એ રીતે ડિઝાઇન થયેલી હોય છે જે તેમની સ્પીડ વધારે છે. જે તેમના સાંધાઓ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.એવી કસરત જે ગ્રોથ હોર્મોન્સને સપોર્ટ કરે, જે વધતી ઉંમરે પણ યુવાઓ જેવી તાકત આપે. તેમના ટ્રેનિંગનો મુખ્ય હેતુ માત્ર મસલ્સ બનાવવાનો નથી, પરંતુ ઝડપ, વિસ્ફોટક શક્તિ અને સાંધાઓની કાર્યક્ષમતા વધારવાનો છે. મેદાન પર એક સેકન્ડનો તફાવત પણ મેચનું પરિણામ બદલી શકે છે.
તેમના વર્કઆઉટમાં સ્પ્રિન્ટ્સ, પ્લાયોમેટ્રિક્સ, કોર સ્ટ્રેન્થ, બેલેન્સ ટ્રેનિંગ અને મોબિલિટી એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. આ બધું તેમને માત્ર ઝડપી જ નહીં, પરંતુ લાંબા સમય સુધી ઈજામુક્ત પણ રાખે છે.

ખોરાક એક વિજ્ઞાન

થોડા વર્ષ દરમ્યાન તેમની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન એમને કોકની બોટલ સાઈડ પર મુકતા જ કોકાકોલાના શેર માર્કેટમાં ગબડી પડ્યા હતા. પરંતુ તે પાછળનું તેમનું લોજિક સરળ હતું તે કદી પણ પ્રોસેસ ફૂડ સુગર કે કોલાનો ઉપયોગ કરતાં નથી. ઊંઘની જેમ ખોરાકમાં પણ તેના અલગ અલગ સેશન હોય છે, રોનાલ્ડો 3-4 કલાક ગાળા દરમ્યાન 6 નાના મિલ્સ લે છે,જેમાં મુખ્યત્વે પ્રોટીન્સ, અનાજ અને ફ્રૂટ્સ હોય છે.

દુનિયામાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ જન્મે છે. પરંતુ ઇતિહાસમાં થોડાં જ નામ અમર બને છે. અહીં માત્ર એક નામ કે તેમની સિદ્ધિઓ નહીં પરંતુ એ શિસ્તનો આ પાઠ દરેકને દરેક ફિલ્ડમાં ઉપયોગી થઇ શકે છે, કેમકે સફળતા એ કોઈ તાત્કાલિક બનતી ઘટના નથી, લાખો તાળીઓના ગડગડાટ પાછળ વર્ષોની મહેનત અને શિસ્ત કામ કરે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)