ઝારખંડમાં કોંગ્રેસ સાથે થયો ‘ખેલો’: JMM-RJD પર આરોપ

રાંચીઃ ઝારખંડમાં NDA સમર્થિત રાજ્યસભા ઉમેદવાર પરિમલ નથવાણીની જીત બાદ કોંગ્રેસના નેતા રાજેશ ઠાકુરે કહ્યું હતું કે અમારી પાસે 26 મત હતા, પરંતુ અમને માત્ર 21 મત મળ્યા અને એક મત અમાન્ય જાહેર થયો હતો. અમારા ગઠબંધનમાં કોંગ્રેસના 16, JMMના 4, RJDના 4 અને CPI(ML)ના બે મત હતા. એવું લાગે છે કે અમને RJD અને CPI(ML)ના મત મળ્યા નથી. વિશ્વાસ જ્યાં હોય ત્યાં જ દગો થાય છે. આ મુદ્દે દરેકે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

કોંગ્રેસ પ્રભારીએ શો આરોપ લગાવ્યો?

ઝારખંડ કોંગ્રેસના પ્રભારી કે. રાજુએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન સાથે RJD અને વામદળોએ દગો કર્યો છે. તેમણે શંકા વ્યક્ત કરી કે RJD અને વામદળના ધારાસભ્યોએ પૈસા લઈને NDA સમર્થિત ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું. કે. રાજુએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ ઉમેદવાર પ્રણવ ઝાને કોંગ્રેસના તમામ 16 ધારાસભ્યોના મત મળ્યા હતા.

કોંગ્રેસના આરોપો પર RJDનો જવાબ

ઝારખંડમાં કોંગ્રેસ ઉમેદવારની હાર બાદ કોંગ્રેસ દ્વારા RJDની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જેના જવાબમાં RJDએ જણાવ્યું કે પરિણામથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોનું સમર્થન જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. અન્ય પક્ષો પર આધારવિહોણા આરોપ લગાવતાં પહેલાં કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ.

RJDએ વધુમાં કહ્યું હતું કે માર્ચમાં થયેલી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી દરમિયાન હરિયાણામાં કોંગ્રેસના પાંચ, ઓડિશામાં બે અને બિહારમાં ત્રણ ધારાસભ્યોએ ભાજપના પક્ષમાં ખુલ્લેઆમ ક્રોસ-વોટિંગ કર્યું હતું અથવા ગેરહાજર રહ્યા હતા. કેટલાક ધારાસભ્યોએ કેમેરા સામે આવીને કહ્યું હતું કે મહાગઠબંધનનો ઉમેદવાર તેમની પસંદનો નહોતો અને પક્ષના ટોચના નેતૃત્વ તરફથી કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નહોતી.RJDએ સવાલ કર્યો કે શું આવા ધારાસભ્યો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? બિહારમાં તો આવા જ લોકો આજે પણ કોંગ્રેસના રાજ્ય નેતૃત્વ સાથે બેઠકો અને પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળે છે.

કેટલા બેઠકો માટે ચૂંટણી થઈ હતી?

ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. NDA સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર પરિમલ નથવાણીને 28 મત અને JMM ઉમેદવાર બૈજનાથ રામને 31 મત મળ્યા.