આધુનિક હોવું એટલે દેખાડો કરવો? અદ્યતન હોવું એટલે જે સનાતન છે તેનો વિરોધ કરવો? સત્ય પર લગાડેલા આવરણો
સત્યને બદલી શકતા નથી. પ્રસિદ્ધ થવા માટે કંઈ પણ કરવું યોગ્ય નથી. વળી, પ્રસિદ્ધિ એ જ્ઞાનનો પર્યાય નથી. લાખો ફૉલોઅર્સ હોય એટલે વ્યક્તિને વિષયનું ઊંડું જ્ઞાન હોય જ એવું માનવું ભૂલ છે, ખાસ કરીને જ્યારે આજે ફૉલોઅર્સ પણ ખરીદી શકાય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સ: હું એક વ્યક્તિની રીલ્સ જોઉં છું. તે ‘એડવાન્સ વાસ્તુ’ શીખવાડે છે. માત્ર ૯૯ રૂપિયામાં સંપૂર્ણ જ્ઞાન આપવાનો દાવો કરે છે અને કહે છે કે જૂનું વાસ્તુ હવે કામનું નથી. તે પોતાના અલગ અને મૂળભૂત કહી શકાય એવા, પરંતુ પરંપરાગત વાસ્તુથી વિરુદ્ધ નિયમો શીખવે છે. તેની વાતોમાં આવીને મેં મારું જૂનું ઘર વેચી નૈરુત્ય દ્વારવાળું ઘર ખરીદી લીધું. તેનું કહેવું હતું કે અંબાણીનું ઘર પણ નૈરુત્ય દ્વારવાળું છે. પરંતુ ત્યારથી મને સતત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે શું કરું?

જ: વાસ્તુ એ શાસ્ત્ર છે, કોઈ એવો વિષય નથી કે જેમાં મનફાવે તેમ મૂળભૂત ફેરફાર કરી શકાય. હજારો વર્ષોના સંશોધન અને અનુભવો પરથી રચાયેલા શાસ્ત્રને કોઈ સામાન્ય વ્યક્તિ બદલવાનો દાવો કરે, તો તેના પર વિશ્વાસ કરતાં પહેલાં વિચારવું જોઈએ. હું પોતે છેલ્લા ૪૦ વર્ષથી આ વિષય પર સંશોધન કરું છું અને આજે પણ અભ્યાસ ચાલુ જ છે.
99 રૂપિયામાં તો એક ટંકનું ભરપેટ ભોજન પણ મુશ્કેલીથી મળે, ત્યારે એ જ રકમમાં આખું શાસ્ત્ર કેવી રીતે શીખી શકાય? તમે અજાણી વ્યક્તિની વાતમાં આવીને તમારું ઘર વેચી નાખ્યું. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે, પરંતુ હવે નુકસાન થઈ ચૂક્યું છે. શું તમે ક્યારેય અંબાણીના ઘરની આસપાસ પણ ગયા છો? તો પછી આવી વાત પર વિશ્વાસ કેવી રીતે કર્યો? ભારતીય વાસ્તુમાં નૈરુત્ય દિશામાં દ્વાર હોય તો પણ તેના માટે સમાધાન જણાવવામાં આવ્યું છે. એટલે નૈરુત્યમાં દ્વાર હોવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી.
રીલ્સ બનાવવા માટે કોઈ વિશેષ લાયકાત જરૂરી નથી. કોઈપણ વ્યક્તિ કોઈપણ વિષય પર વિડિયો બનાવી શકે છે. તમને કદાચ ખબર નહીં હોય કે જે ઘરને આદર્શ ગણાવીને બતાવવામાં આવે છે, તે બન્યા પછી વર્ષો સુધી તેમાં કોઈ રહેવા ગયું નહોતું. વાસ્તુ અનુસાર જરૂરી સુધારાઓ કર્યા પછી જ તેની ઊર્જામાં પરિવર્તન આવ્યું હતું.
સ: અમે ભાડાનું ઘર લીધું હતું. મકાનમાલિક સાથે મતભેદ થતાં અમે ઘર સમય પહેલાં જ ખાલી કરી દીધું. મકાનમાલિકે અમારી ડિપોઝિટની રકમ પરત ન આપતાં અમે તેમને મળવા ગયા. મારા આશ્ચર્ય વચ્ચે ખબર પડી કે જે મહિલા તેમની સાથે લિવ-ઇનમાં રહેતી હતી, તે મારી જૂની ગર્લફ્રેન્ડ હતી. તેણે વર્ષો પહેલાં મને પૈસાનો દગો આપીને સંબંધ તોડી દીધો હતો. મારી પાસે કોઈ લેખિત પુરાવો નહોતો એટલે હું કંઈ કરી શક્યો નહોતો. હવે શું મારે એ વ્યક્તિને તેની હકીકત જણાવવી જોઈએ?

જ: તમે તમારા પૈસાની વસૂલાત પર ધ્યાન આપો. શક્ય છે કે મકાનમાલિક પણ સમગ્ર ઘટનામાં ભાગીદાર હોય. શું તમને એવું લાગે છે કે તે મહિલાને દસ્તાવેજો જોયા પછી ખબર નહીં પડી હોય કે આ ઘર તમે જ ભાડે લીધું હતું?
સ: કેટલાક લોકો ‘રિવર્સ વાસ્તુ’ની વાત કરે છે, જેમાં નૈરુત્યને ઈશાન અને ઈશાનને નૈરુત્ય ગણવામાં આવે છે. શું ખરેખર એવું શક્ય છે?
જ: શાસ્ત્રોને સમજવા માટે મૂળ ગ્રંથોનો અભ્યાસ જરૂરી છે. આવા ભ્રામક દાવાઓ કરનાર લોકો પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો.
સૂચન: વાસ્તુશાસ્ત્ર જીવનશૈલી સાથે જોડાયેલું શાસ્ત્ર છે. તેથી તેને માત્ર કાગળ પર કે સોશિયલ મીડિયા પરથી સમજી લેવું એ અત્યંત અધૂરી સમજણ છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)




