CECની નિમણૂક અંગે સમિતિ પર સુપ્રીમ કોર્ટના સવાલ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (ECs)ની નિમણૂક પ્રક્રિયા અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે સવાલ ઉઠાવ્યો હતો કે શું નિમણૂક પ્રક્રિયામાં નિષ્પક્ષતા માત્ર હોવી જ નહીં, પરંતુ દેખાવું પણ જરૂરી નથી?

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એસ.સી. શર્માની બેન્ચ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ કાયદા મુજબ વડા પ્રધાન, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા એમ ત્રણ સભ્યોની સમિતિ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કાયદાનું સમર્થન કરતાં કહ્યું હતું કે સમિતિમાં સંખ્યાબળ હોવાને કારણે વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી લોકશાહીના હિતમાં કાર્ય નહીં કરે એવું માનવું ખોટું છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાનના પદની પોતાની બંધારણીય ગૌરવ અને પવિત્રતા છે. પસંદગી સમિતિના નિર્ણય પર શંકા વ્યક્ત કરવી એ બંધારણ દ્વારા ચૂંટાયેલી સંસ્થાઓમાં મુકાયેલા વિશ્વાસને નબળો પાડે છે.

સોલિસિટર જનરલની દલીલ

મહેતાએ વધુમાં કહ્યું કે જો વડા પ્રધાન પર તેમના બંધારણીય કર્તવ્યો નિભાવવાના મામલે વિશ્વાસ ન કરી શકાય, તો શું પછી તેમને પોતાના મંત્રીમંડળના સભ્યોની પસંદગી કરતી વખતે બહારના લોકો અથવા તો આ માનનીય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશની પણ સલાહ લેવી જોઈએ?

તેના જવાબમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે અમે અહીં કોઈ મંત્રીની નિમણૂકના મુદ્દા પર વિચારણા કરી રહ્યા નથી. મંત્રીઓ પહેલેથી જ નિયુક્ત થયેલા છે. હવે વડા પ્રધાન મંત્રીમંડળમાંથી કોઈ એક સભ્યને પસંદ કરે છે. આવી સ્થિતિમાં સમિતિનું પ્રમાણ 2:1 થઈ જાય છે — બે સભ્યો સરકાર તરફના અને એક સભ્ય વિપક્ષ તરફનો.” સોલિસિટર જનરલે અદાલતને આ મામલો પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચને સોંપવાની વિનંતી કરી. તેમનું કહેવું હતું કે આ બંધારણીય મહત્વનો મુદ્દો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે આ વિનંતી અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો.