નવી દિલ્હીઃ વિશ્વભરમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પુરી મંદિર સમિતિ અને ઇસ્કોન (ISKCON) વચ્ચે વિવાદ ઊભો થયો છે. આ વર્ષે પુરીમાં રથયાત્રા 16 જુલાઈથી શરૂ થવાની છે, પરંતુ ઇસ્કોન અનેક દેશોમાં પહેલેથી જ રથયાત્રાનું આયોજન કરી ચૂક્યું છે. એ ઉપરાંત, ઘણા દેશોમાં અલગ-અલગ તારીખે રથયાત્રા યોજાનારી છે. સમગ્ર વિવાદ આ તારીખોને લઈને જ છે.
આ મામલે પુરીના રાજા ગજપતિ મહારાજા દિબ્યાસિંહ દેવે નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ગજપતિ મહારાજા જગન્નાથ મંદિરની નિર્ણાયક સમિતિ શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટ કમિટી (SJTMC)ના અધ્યક્ષ પણ છે. તેમણે જણાવ્યું હતું કે ભગવાનની રથયાત્રા આષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે જ શરૂ થવી જોઈએ. સ્કંદ પુરાણ તેમ જ અન્ય શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે. તેમના જણાવ્યા મુજબ ઇસ્કોન પરંપરાનો ભંગ કરી રહ્યું છે.
તેમણે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે દરેક ધર્મ અને પંથમાં તહેવારોની તારીખો નિશ્ચિત હોય છે, ત્યારે ઇસ્કોન શાસ્ત્રોમાં નિર્ધારિત નિયમોનું પાલન કેમ નથી કરતું? પુરી મંદિર સાથે સંકળાયેલા વિદ્વાનો ઇસ્કોનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી ચૂક્યા છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ગજપતિ મહારાજાએ કહ્યું હતું કે ભગવાન જગન્નાથના મામલે શાસ્ત્રીય નિયમોની અવગણના કેવી રીતે થઈ શકે? તેઓ મહર્ષિ વેદવ્યાસ અને સ્કંદ પુરાણના નિર્દેશોની વિરુદ્ધ કેમ જઈ રહ્યા છે?
“ઇસ્કોન જન્માષ્ટમીમાં નિયમો માને છે, તો રથયાત્રામાં કેમ નહીં?” – પુરી મંદિર સમિતિ
ગજપતિ મહારાજા દિબ્યાસિંહ દેવે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી આ મુદ્દે ઇસ્કોન સાથે ચર્ચા ચાલી રહી હતી. વર્ષ 2021માં ઇસ્કોને ભારતમાં યોજાતી રથયાત્રાઓ માટે નિર્ધારિત તારીખો સ્વીકારી હતી, પરંતુ ભારતની બહાર તે જ તારીખે રથયાત્રા યોજવા તેઓ તૈયાર નથી, જે ખૂબ નિરાશાજનક છે.
એક જ તારીખે રથયાત્રા શક્ય નથી – ઇસ્કોન
બીજી તરફ, પુરી જગન્નાથ મંદિરની મુખ્ય સમિતિએ ઇસ્કોનના આ દાવાને નકારી કાઢ્યો કે મનપસંદ દિવસોમાં રથયાત્રાનું આયોજન શાસ્ત્રસંગત છે. સમિતિએ જણાવ્યું કે આ વિશ્વભરના ભક્તોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. જોકે ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે વિશ્વભરમાં ભગવાન જગન્નાથની 1000થી વધુ રથયાત્રાઓ યોજાય છે, જેમાંથી લગભગ 500 ભારતનાં વિવિધ શહેરોમાં યોજાય છે. ભારતમાં યોજાતી યાત્રાઓની તારીખો જગન્નાથ મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવે છે. પરંતુ વિવિધ દેશોમાં હવામાન, સ્થાનિક નિયમો અને કાયદા અલગ હોવાથી દરેક સ્થળે એક જ દિવસે રથયાત્રા યોજવી શક્ય નથી.






