અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને F-35 ફાઇટર જેટના વેચાણ સામે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દેતા કહ્યું કે અમેરિકા પોતાના સંરક્ષણ સોદાઓ અંગે નિર્ણય લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા શું વેચશે તે કોઈ અન્ય નેતા નક્કી કરશે નહીં. સોમવારે ટ્રમ્પે એર ફોર્સ વન પર મીડિયાને કહ્યું હતું કે,’કોઈ મને કહેશે નહીં કે આપણે શું વેચવું જોઈએ. તુર્કી મારા માટે એક અદ્ભુત ભાગીદાર રહ્યું છે.’ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સોમવારે વોશિંગ્ટન પહોંચ્યા છે. તેમની અહીં ટ્રમ્પ સાથે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે, જેમાં પ્રાદેશિક સુરક્ષા અને ઈરાન સંબંધિત મુદ્દાઓ મુખ્ય એજન્ડામાં સામેલ છે.
તાજેતરના સીએનએન ઇન્ટરવ્યુમાં, નેતન્યાહૂએ તુર્કીને F-35 ફાઇટર જેટ વેચવાના યુએસ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ સોદાને મંજૂરી ન આપવા અપીલ કરી હતી. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાનું વિચારી રહ્યા હોવાનો સંકેત આપ્યા બાદ આ વાત સામે આવી. નેતન્યાહૂએ કહ્યું,”તુર્કીને અમેરિકાના સૌથી અદ્યતન ફાઇટર જેટ વેચવાથી તે યુનાઇટેડ સ્ટેટ્સનો મિત્ર બનશે નહીં. તુર્કીનું વર્તમાન શાસન મુસ્લિમ બ્રધરહુડથી પ્રભાવિત છે, જે અમેરિકાને નફરત કરે છે. રેસેપ તૈયપ એર્દોઆન અમેરિકા માટે આદર્શ સાથી નથી. તે મારા દેશ, વિશ્વના એકમાત્ર યહૂદી રાષ્ટ્રનો નાશ કરવાની ધમકી આપે છે.”
નેતન્યાહૂએ ચેતવણી પણ આપી હતી કે તુર્કીને F-35 વિમાન આપવાથી મધ્ય પૂર્વમાં લશ્કરી શક્તિનું સંતુલન બગડશે. તેમણે ટ્રમ્પને સીધું કહ્યું હતું કે આ સોદાને મંજૂરી આપવાથી મધ્ય પૂર્વમાં શક્તિના સંતુલનને સંપૂર્ણપણે ખલેલ પહોંચશે. ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમનો વહીવટ ટૂંક સમયમાં નિર્ણય લેશે કે કોંગ્રેસના પ્રતિબંધો છતાં તુર્કીને F-35 વિમાન વેચવા કે નહીં. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે રશિયા પાસેથી S-400 હવાઈ સંરક્ષણ પ્રણાલી ખરીદવા બદલ તુર્કી પર લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધો હટાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું,”હવે તુર્કી સાથે અમારા સંબંધો પહેલા કરતાં વધુ સારા છે. ઘણા કિસ્સાઓમાં, તુર્કી તે દેશો કરતાં વધુ વફાદાર રહ્યા છે જેની પાસેથી અમને વફાદારીની અપેક્ષા હતી”
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઘણા લોકો માને છે કે રશિયા પાસેથી S-400 સિસ્ટમ ખરીદવા છતાં તુર્કીને F-35 ખરીદવાની મંજૂરી આપવી જોઈએ. F-35 ને અત્યાર સુધીનું શ્રેષ્ઠ ફાઇટર જેટ ગણાવતા ટ્રમ્પે કહ્યું, આ એક ઓફર છે જેના પર અમે ચોક્કસપણે વિચાર કરીશું. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને પણ સંકેત આપ્યો છે કે અંકારા વિશ્વાસ ધરાવે છે કે તે યુએસ પાસેથી F-35 ફાઇટર જેટ ખરીદવા અને તુર્કીના સ્વદેશી KAAN ફાઇટર જેટ માટે અમેરિકન એન્જિન મેળવવા માટેના કરાર પર પહોંચવાની નજીક છે.




