આ ઇમારતમાં નામની જોડણી જ્યારે એક ભાષાશાસ્ત્રીએ સુધારાવી…

અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી ‘વીજળી ઘર’ની ગણના શહેરની જાણીતી ઈમારતોમાં થાય છે. શહેરની આ ઇમારત ‘આર્ટ ડેકો’ સ્થાપત્ય શૈલી મુજબ તૈયાર કરવામાં આવી હતી, જેની ડિઝાઇન અંગ્રેજ સ્થપતિ ક્લાઉટ બેટલી દ્વારા કરવામાં આવી હતી. આ સુંદર ઇમારત અમદાવાદને વીજળી પૂરુ પાડતી કંપની એ.ઇ.સીનું વડું મથક હતું.

આ વીજળી ઘરની સાથે એક રસપ્રદ ઘટના જોડાયેલી છે. શહેરની  એકદમ મધ્યમાં રિલીફ રોડ , સીદી સૈયદની જાળીની એકદમ નજીક વીજળી ઘરની ઇમારત આવેલી છે. આ વીજળી ઘર બનાવાયું ત્યારે ભૂલથી વિજળી ઘર લખાઇ ગયું. ઐતિહાસિક શહેરના મુખ્ય માર્ગ પર જ આવેલી આ ઇમારતના નામમાં ભૂલ જોતાં જ એ વખતે જાણીતા ભાષા નિષ્ણાત અને સંશોધક કે.કા.શાસ્ત્રીએ ભારે વિરોધ કર્યો હતો. વીજળી ઘરની ખોટી જોડણી સુધારવા એમણે  લાગતા વળગતા સરકારી વિભાગોને સતત પત્રો લખ્યા. આખરે આ જૂની અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની (એ.ઇ.સી)ના જોડણી સુધારી વિજળી ઘરનું વીજળી ઘર કરાવ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ)