
કલિકાલસર્વજ્ઞ તરીકે જાણીતા જૈનાચાર્ય જન્મ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ધંધૂકામાં થયો હતો. મોઢ વણિક હેમચંદ્રાચાર્યનું દીક્ષા પૂર્વેનું મૂળ નામ ચંગદેવ હતું. માતાનું નામ પાહિણી અને પિતાનું નામ ચાચિગ હતું. બાળક ચંગદેવ માતા સાથે ઉપાશ્રયમાં ગયો હતો ત્યારે બાળસહજ ચેષ્ટાથી ચંદ્રગચ્છના આચાર્ય દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી જતાં આચાર્યશ્રીએ બાળક જૈનશાસનનો મહાપ્રભાવક પુરુષ થશે. એમનાં લક્ષણો પારખીને ચંગદેવની માંગણી જૈન ધર્મ માટે કરતાં માતાએ ગુરુ-આજ્ઞા માથે ચઢાવી એમની સોંપણી દેવચંદ્રસૂરિને કરી હતી. એમણે ચંગદેવને ખંભાતમાં ઈ. સ. 1098માં દીક્ષા આપીને એનું નવું નામ આપ્યું સોમચંદ્ર રાખ્યું હતું. એની દીક્ષા શિક્ષાની વ્યવસ્થાની જવાબદારી ખંભાતના દંડનાયક ઉદયને સંભાળી હતી. 12 વર્ષના કઠોર વિદ્યાભ્યાસ દરમિયાન તર્ક-લક્ષણ-સાહિત્ય વગેરે વિષયોમાં નિપુણતા મેળવી. એ વખતે દેવચંદ્રસૂરિ અને શ્રીસંઘે મુનિ સોમચંદ્રને માત્ર 21 વર્ષની વયે ઈ. સ. 1110માં આચાર્યપદથી વિભૂષિત કર્યા. એ વખતે એમનું નવું નામ આપ્યું હેમચંદ્ર.
હેમચંદ્રાચાર્યનું પાટણમાં આગમન ક્યારે થયું અને રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે ક્યારે પ્રથમ મુલાકાત થઈ. સિદ્ધરાજ અને કવિ શ્રીપાલની અધ્યક્ષતામાં કર્ણાટકના દિગંબરવાદી કુમુદચંદ્ર અને ગુજરાતના શ્વેતાંબરવાદી દેવસૂરિ વચ્ચે ઈ. સ. 1125માં યોજાયેલ વાદસભામાં હેમચંદ્રાચાર્ય ઉપસ્થિત હતા. આ ઘટનાનું સુરેખ નિરૂપણ યશશ્ર્ચંદ્રે ‘મુદ્રિતકુમુદચંદ્ર નાટક’માં કર્યું છે. આ ઘટના બાદ ઈ. સ. 1136માં સિદ્ધરાજ યશોવર્માને હટાવીને માલવવિજયી થઈને ભોજનો ‘સરસ્વતીભાંડાગાર’ પાટણમાં લાવ્યા. સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યની જરૂરિયાત મુજબ કાશ્મીર અને અન્ય રાજ્યોમાંથી વિવિધ વ્યાકરણગ્રંથોની હસ્તપ્રતો મંગાવી આપી હતી. આચાર્યશ્રીએ પોતાના ગ્રંથનું નામ આપ્યું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’, જેનો સિદ્ધરાજે અદ્વિતીય કહી શકાય તેવો લોકાર્પણ મહોત્સવ યોજ્યો હતો. હાથીની અંબાડી ઉપર એ ગ્રંથ પધરાવી નગરયાત્રા કર્યા બાદ તેનું વિધિવત્ પૂજન કરીને પોતાના ગ્રંથભંડારમાં તેને મુકાવ્યો હતો. આ ગ્રંથની નકલો કરાવવા માટે તેમણે 300 લહિયાઓને નિયુક્ત કર્યા હતા. જુદાં જુદાં રાજ્યોમાં એની નકલો મોકલાવી હતી. આચાર્યશ્રીની પ્રેરણાથી વિદ્યાપ્રેમી રાજાએ સહસ્રલિંગના તટે વિદ્યામઠો અને આશ્રમોની સ્થાપના કરી હતી. સંસ્કૃત, પ્રાકૃત સહિત અનેક અપભ્રંશ ભાષોઓમાં ગ્રંથો લખનાર હેમચંદ્રાચાર્યના નામે ઉત્તરગુજરાતમાં યુનિવર્સિટી છે. આજના ગુજરાતની સંસ્કારિતા, શાંતિપ્રિયતા અને અહિંસક મનોવૃત્તિનો સુદૃઢ સંસ્કારવારસો હેમચંદ્રાચાર્યના પ્રભાવથી એ સમયમાં નંખાયો હતો. ગુજરાતના ઇતિહાસમાં એમનું સ્થાન વિદ્યાચાર્ય રૂપે છે. રાજા તથા પ્રજાના આચારને સુધારવામાં પ્રભાવશાળી એક આચાર્ય રૂપે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




