કેદારનાથ: ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં કેદારનાથ સૌથી મહત્ત્વનું તીર્થસ્થળ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રૂ. 5000 કરોડના કેદારનાથ રોપવે પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી છે. આ રોપવે પીપીપીના બીઓટી મોડલ હેઠળ બનાવવામાં આવશે. તેનાથી સરકારને વાર્ષિક રૂ. 800 કરોડની આવક થશે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બનનારો કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સૌથી મુશ્કેલ તીર્થયાત્રાને અત્યંત સરળ બનાવશે. આશરે 11,500 ફૂટની ઊંચાઈ પર બનનારો આ રોપવે વિશ્વના સૌથી લાંબા અને ઊંચા રોપવે પૈકીનો એક હશે.
વિશ્વનો સૌથી ઊંચો અને લાંબો રોપવે
13 કિલોમીટર લાંબો રોપવે સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધી હવાઈ કનેક્ટિવિટી પૂરી પાડશે. રોપવેની દરેક ટ્રોલી-કેબિનમાં આશરે 35 મુસાફરો બેસી શકશે. હાલમાં સોનપ્રયાગ અથવા ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીની 16 કિલોમીટરની મુસાફરીમાં શ્રદ્ધાળુઓને લગભગ 8થી 9 કલાક લાગે છે. રોપવે શરૂ થયા બાદ આ અંતર માત્ર 36 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 5000 કરોડ છે.
કેદારનાથ રોપવે પ્રોજેક્ટની વિશેષતાઓ
11,500 ફૂટની ઊંચાઈ પર બનનારો રોપવે વિશ્વના સૌથી લાંબા અને ઊંચા રોપવે પૈકીનો એક હશે.
13 કિલોમીટર લાંબો રોપવે સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધી જોડાણ પૂરું પાડશે.
ગૌરીકુંડથી કેદારનાથ ધામની મુસાફરી 27થી 36 મિનિટમાં પૂર્ણ થશે.
હાલ યાત્રા દરમિયાન 16 કિલોમીટરની મુશ્કેલ ચઢાઈ કરવી પડે છે.
રોપવે બેઝ કેમ્પથી પ્રતિ કલાક 1800 મુસાફરોને લઈ જઈ શકશે.
દરરોજ 18,000 મુસાફરો રોપવેનો લાભ લઈ શકશે.
27થી 36 મિનિટમાં કેદારનાથની યાત્રા
આ રોપવે શરૂ થયા બાદ સોનપ્રયાગથી કેદારનાથનું અંતર માત્ર 27થી 36 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી રોપવેની કુલ લંબાઈ 13 કિલોમીટર હશે.

કેદારનાથ રોપવે પર્વતમાળા પ્રોજેક્ટ
કેદારનાથ રોપવે પ્રોજેક્ટ ભારત સરકારની ‘પર્વતમાળા’ યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની જવાબદારી અદાણી ગ્રૂપને સોંપવામાં આવી છે અને 29 વર્ષ સુધી તેના સંચાલનની જવાબદારી ગ્રૂપ પાસે રહેશે. બાળકો, વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ શ્રદ્ધાળુઓ હવે થાક્યા વિના સરળતાથી બાબા કેદારનાં દર્શન કરી શકશે. ખચ્ચર, પાલખી અને હેલિકોપ્ટર પરની નિર્ભરતા ઘટશે. રોપવે શરૂ થવાથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે.




