પટનાઃ બિહારના લખીસરાય જિલ્લામાં પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારને કારણે મંદિરમાં ભારે ભીડ હતી. આ દરમિયાન અચાનક નાસભાગ મચી હતી. આ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. લખીસરાયના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્રકુમારે જણાવ્યું હતું કે સવારે મંદિરમાં અચાનક અપેક્ષા કરતાં વધુ ભીડ વધી ગઈ હતી. એકબીજાથી આગળ નીકળવાની હોડમાં બેરિકેડિંગ તૂટી ગયાં અને ત્યાર બાદ અફરાતફરી વચ્ચે નાસભાગ મચી હતી.
કરંટ ફેલાવાની અફવાથી મચી નાસભાગ
અહેવાલો અનુસાર અશોક ધામ હોલ્ટ પર એક જ સમયે બંને તરફથી ટ્રેન આવી ગઈ હતી. ટ્રેનને જોઈને કેટલાક યુવકો અચાનક દોડવા લાગ્યા. કેટલાક લોકો ભાગવા લાગ્યા અને આ દરમિયાન વીજળીનો એક પોલ નીચે પડી ગયો, જેને કારણે કરંટ ફેલાવાની અફવા ફેલાઈ હતી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે વીજ પુરવઠો બંધ હતો. આ મામલે પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ તરત જ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બહાર તહેનાત એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
At least seven devotees were killed and several others injured in a stampede at Ashokdham temple in Bihar’s Lakhisarai district. One of the survivors narrating how the incident happened. pic.twitter.com/Qeb5EEF7CL
— Ramashankar Mishra (@ramashankar68) August 17, 2026
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસનની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા અને લોકોને મંદિર પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા. SDPO શિવમ કુમારે જણાવ્યું કે લખીસરાયના અશોકધામ મંદિરમાં નાસભાગ બાદ સાત લોકોનાં મોત થયાની માહિતી મળી છે. પ્રાથમિક માહિતી મુજબ ત્યાં વીજળીનો એક થાંભલો પડી ગયો હતો અને કેટલાક લોકો કરંટની ચપેટમાં આવ્યા હતા. આ કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંત્રી વિજય સિન્હા લખીસરાય જવા રવાના
ઘટના બાદ બિહાર સરકારના મંત્રી વિજય સિન્હા અશોકધામ મંદિર જવા રવાના થયા હતા. સાથે જ વરિષ્ઠ અધિકારીઓને પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.






