પોલિમર નોટો લાવવાની તૈયારીમાં રિઝર્વ બેન્ક

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક (RBI) પોલિમર કરન્સી નોટો રજૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જોકે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવ હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ તેને મંજૂરી મળે તો તે ભારતીય ચલણ વ્યવસ્થામાં સૌથી મોટા ફેરફારોમાંનો એક સાબિત થવાની શક્યતા છે.

એક વરસાદ અને નોટ ખરાબ!

દિલ્હીના એક દુકાનદાર રમેશ (કાલ્પનિક નામ)ની ખિસ્સામાં રૂ. 500ની નોટ હતી. અચાનક વરસાદ શરૂ થયો અને નોટ સંપૂર્ણ ભીંજાઈ ગઈ. તેણે કોઈ રીતે તેને સુકવી, પરંતુ નોટ પહેલાની જેમ રહી નહીં. આવી સમસ્યા કદાચ તમે પણ ક્યારેક અનુભવી હશે.

પોલિમર નોટો શું હોય છે?

પોલિમર નોટો દેખાવમાં હાલની નોટો જેવી જ હોય છે. તેને વાળી શકાય છે, ખિસ્સામાં રાખી શકાય છે અને સામાન્ય લેવડદેવડમાં વાપરી શકાય છે. ફરક માત્ર એટલો છે કે આ નોટો કાગળથી નહીં પરંતુ ખાસ પ્રકારના કૃત્રિમ પ્લાસ્ટિક (પોલિમર)માંથી બનાવવામાં આવે છે. આ કારણે તે વધુ મજબૂત અને ટકાઉ માનવામાં આવે છે.

RBI શા માટે બદલાવ ઇચ્છે છે?

આ સવાલનો જવાબ નોટો છાપવાના વધતા ખર્ચમાં છુપાયેલો છે. ભારતમાં દર વર્ષે કરોડો નોટો છાપવામાં આવે છે. પરંતુ ઓછી કિંમતની નોટો ઝડપથી ફાટી જાય છે, ગંદી થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે. ત્યાર બાદ તેને પાછી ખેંચીને નવી નોટો છાપવી પડે છે. સરકાર અને RBIને વારંવાર આ માટે ખર્ચ કરવો પડે છે. હવે RBI એ વિચાર કરી રહી છે કે જો નોટો વધુ લાંબા સમય સુધી ટકી રહે તો લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થઈ શકે. આ વિચારમાંથી પોલિમર નોટોનો પ્રસ્તાવ સામે આવ્યો છે.

પરંતુ પોલિમર નોટો તો વધુ મોંઘી છે!

પોલિમર નોટોની કહાની પણ એવી જ છે. તેની શરૂઆતની કિંમત વધુ હોય છે, પરંતુ તે કાગળની નોટોની સરખામણીએ અનેક ગણી વધુ લાંબા સમય સુધી ટકે છે. એટલે વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત ઘટે છે અને લાંબા ગાળે કુલ ખર્ચ ઓછો થઈ શકે છે.