કોલકાતાઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે ભાંગરના દક્ષિણ બામુનિયા વિસ્તારમાં TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય શૌકત મોલ્લાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં દક્ષિણ બામુનિયા વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ વિસ્ફોટની તપાસ NIAને સોંપવાની માગ ઊઠી હતી. NIAએ થોડા સમય પહેલાં આ કેસમાં TMC નેતા વાહિદુલ ઇસ્લામ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી.
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના જવાનો સાથે NIAની ટીમ સવારે મોલ્લાના ઘરે પહોંચી હતી અને વ્યાપક તલાશી અભિયાન હાથ ધર્યું હતું.
પુત્ર ઇમરાન મોલ્લા તપાસ ટીમ સાથે રહ્યા
આશરે 10 વાહનોમાં આવેલી NIAની ટીમે બામુનિયા ગામના અનેક ઘરોની પણ મુલાકાત લીધી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ તપાસ ટીમ પહોંચી ત્યારે શૌકત મોલ્લા ઘરે હાજર નહોતા. તેમના પુત્ર ઇમરાન મોલ્લા તલાશી દરમિયાન NIAની ટીમ સાથે રહ્યા હતા. ભાંગરના બામુનિયા ગામમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)એ આ કેસની NIA તપાસની માગ કરી હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લાના દક્ષિણ બામુનિયા ગામમાં 19 માર્ચે થયેલા દેશી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આરોપ છે કે ઘટના સમયે ત્યાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તપાસ એજન્સીએ શૌકત મોલ્લાના કાર્યાલયની પણ તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પત્ની અને પુત્રી પણ ઘરે પહોંચી ગયાં હતાં. અધિકારીઓ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે અને જરૂરી માહિતી એકત્રિત કરી રહ્યા છે. આ દરમિયાન વિસ્તારમાં તેમ જ મોલ્લાના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. NIAની ટીમે TMC નેતા વાહિદુલ ઇસ્લામના ઘરે પણ તલાશી લીધી હતી. એ ઉપરાંત વિસ્ફોટ બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારા લોકોનાં ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. શૌકત મોલ્લાએ 2016 અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે તેમની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હતી.






