પટનાઃ બિહારમાં મદરેસાઓને લઈને સમ્રાટ ચૌધરી સરકારે લાલ આંખ કરી છે. હવે રાજ્યની તમામ અનુદાનિત મદરસાઓની તપાસ કરવામાં આવશે. સરકારે આ માટે સત્તાવાર આદેશો જારી કરી દીધા છે. સરકારના નિર્ણય અનુસાર શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાધિકારીઓને પત્ર મોકલી મદરસાઓની વ્યાપક તપાસ અને નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યની મદરેસાઓની તપાસ ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવશે. સમિતિને 10 દિવસની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શિક્ષણની ગુણવત્તાની સમીક્ષા કરીને તૈયાર થશે અહેવાલ
આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ મદરેસાઓમાં શિક્ષણ અને તેની ગુણવત્તાની સમીક્ષા કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે અને તેને 10 દિવસની અંદર સરકારને સોંપવામાં આવે. ત્રણ સભ્યોની સમિતિ રાજ્યની તમામ મદરેસાઓની મુલાકાત લઈ ત્યાં કાર્યરત શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂક, તેમની હાજરી તેમ જ શૈક્ષણિક વ્યવસ્થાની તપાસ કરશે.
RJDનો આરોપ: સમ્રાટ સરકાર એજન્ડાનું રાજકારણ કરી રહી છે
અનુદાનિત મદરેસાઓની તપાસના નિર્ણય અંગે શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ જણાવ્યું કે લાંબા સમયથી મદરેસાઓની તપાસ થઈ નથી. એક વખત તપાસ થયા બાદ જે ખામીઓ અને સમસ્યાઓ સામે આવશે, તેને દૂર કરવામાં આવશે. બીજી તરફ, સરકારના આ નિર્ણયની ટીકા કરતાં RJDના પ્રવક્તા એજાઝ અહમદે કહ્યું હતું કે મદરેસાઓની તપાસને નામે લોકોને શિક્ષણથી વંચિત ન રાખવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો હતો કે એનડીએ સરકાર રાજ્યમાં એજન્ડા આધારિત રાજકારણ કરી રહી છે.

સરકારની જવાબદારી
સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બિહારના વિવિધ જિલ્લાઓમાં બિનસરકારી માન્યતા પ્રાપ્ત અનુદાનિત મદરસાઓ કાર્યરત છે. આ મદરેસાઓમાં નિયમિત રીતે નિયુક્ત શિક્ષકો અને કર્મચારીઓને બિહાર સરકાર દ્વારા વેતન માટે અનુદાન આપવામાં આવે છે. આથી રાજ્ય સરકારની જવાબદારી બને છે કે તે સુનિશ્ચિત કરે કે મદરસાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ કરવા આવે છે અને તેમને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે. આ જ કારણસર મદરસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે સ્થળ પર જઈ તપાસ (ફિઝિકલ ઇન્સ્પેક્શન) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.






