કોલકાતા: ચૂંટણીમાં કારમી હાર બાદ TMCમાં બળવાખોરીના સંકેતો સતત વધી રહ્યા છે. અહેવાલો અનુસાર, TMCના 80 ધારાસભ્યોમાંથી 50થી વધુ ધારાસભ્યોએ હોટેલ ગેટવેમાં બળવાખોર અને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતાઓ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહા સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓને મમતા બેનર્જીએ કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી બહાર કાઢ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય પલટો આવે એવી શક્યતા છે. પહેલેથી જ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી વિરુદ્ધ ખુલ્લો વિરોધ જોવા મળી રહ્યો છે. TMCના ઘણા નેતાઓ અને ધારાસભ્યો પાર્ટીની હાલત માટે તેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમના પર ભ્રષ્ટાચાર, અહંકાર, પરિવારવાદ, વરિષ્ઠ નેતાઓને બાજુએ ધકેલવા અને I-PACના વ્યાવસાયિકો મારફતે પાર્ટીને પોતાની મિલકતની જેમ ચલાવવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
રવિવારે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર 20 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓના આશરે 100 TMC કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું હોવાનું કહેવામાં આવે છે. ઘણા નેતાઓ BJP સાથે સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે. જ્યારે ફિલ્મનિર્માતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ચક્રવર્તી જેવા કેટલાક લોકોએ ચૂંટણીમાં હાર બાદ રાજકારણને સંપૂર્ણપણે અલવિદા કહી દીધી છે.
ખુલ્લેઆમ ઊઠી રહ્યા છે વિરોધના અવાજ
કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ પાર્ટી જમીની હકીકતોથી દૂર થઈ ગઈ છે. પાર્ટી ‘સિન્ડિકેટ’ અને ‘કટ-મની’ (કમિશન)ની સંસ્કૃતિમાં ફસાઈ ગઈ છે અને અતિશય અહંકારી બની ગઈ છે.
કુણાલ ઘોષની અપીલ પણ બેઅસર?
અહેવાલ મુજબ જો TMCના 80 ધારાસભ્યો અને 29 સાંસદોમાંથી અડધાથી વધુ (આશરે 40-45 ધારાસભ્યો અને 15-18 સાંસદો) અલગ થઈને ‘જોડા ઘાસ-ફૂલ’ ચૂંટણી ચિહ્ન પર દાવો કરવા માટે ચૂંટણી પંચનો સંપર્ક કરે, તો તે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના પાર્ટી પરના દાવાને પડકારવા માટે પૂરતા બની શકે છે.
સોમવારે TMCના નેતા કુણાલ ઘોષે પાર્ટીના નેતાઓને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ ડૂબતા જહાજને છોડીને ન ભાગે. જોકે, હાલની પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે પાર્ટી નેતૃત્વને પોતાના સાથીઓ પર પણ સંપૂર્ણ વિશ્વાસ રહ્યો નથી કે તેઓ કોઈ ‘લાઇફબોટ’ પકડીને અલગ માર્ગ ન અપનાવે.






