TMC સાંસદ અભિષેક બેનરજીની સાથે સોનારપુરમાં મારપીટ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલાની ઘટના બની છે. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક સાવચેતી દાખવી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હેલ્મેટ પહેરાવ્યું અને સુરક્ષા ઘેરામાં લઈ લીધા હતા. એ દરમિયાન ત્યાં હાજર ભાજપ કાર્યકર્તાઓએ અભિષેકને જોઈ “ચોર-ચોર”ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં રાજકીય તણાવ વધી ગયો છે. સોનારપુરમાં અભિષેક બેનર્જી ચૂંટણી હિંસામાં ઘાયલ થયેલા TMC કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા. આરોપ છે કે ત્યાં પહોંચતાં જ ભાજપ કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા અને નારેબાજી સાથે તેમની સાથે ધક્કામુક્કી તથા મારપીટ કરી હતી. લોકો દ્વારા તેમના પર ઇંડાં ફેંકવામાં આવ્યાં અને તેમનું શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ અભિષેકને હેલ્મેટ પહેરાવીને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને TMC નેતા અભિષેક બેનરજીએ કહ્યું હતું કે આ લોકો મને મારવા માગતા હતા. મારું શર્ટ ફાડી નાખ્યું હતું. ઘટનાસ્થળે એક પણ પોલીસ કર્મચારી હાજર નહોતો. હેલ્મેટને કારણે મારું માથું બચી ગયું. આવા હુમલાઓથી અમે ડરવાના નથી.

અભિષેક બેનર્જી સામે લોકોનો ગુસ્સો કેમ ફાટી નીકળ્યો?

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં લગભગ એક કિલોમીટર સુધી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને લોકોના રોજિંદા જીવન પર અસર પડે છે. લોકોનું કહેવું છે કે જ્યારે મમતા બેનર્જી મુખ્ય મંત્રી હતાં ત્યારે અનેક વખત રજૂઆતો અને અરજીઓ કરીને રસ્તાઓના સમારકામ તથા પીવાના પાણીની વ્યવસ્થા સુધારવાની માગ કરવામાં આવી હતી. પરંતુ તેમની ફરિયાદો અને સમસ્યાઓ પર ક્યારેય યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

આ જ કારણસર જ્યારે સાંસદ તરીકે અભિષેક બેનર્જી અહીં પહોંચ્યા, ત્યારે લોકોએ સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 15 વર્ષથી સત્તામાં હોવા છતાં આ વિસ્તારનો વિકાસ કેમ થયો નથી. આ મુદ્દાઓને લઈને લોકોમાં ભારે નારાજગી હતી. પરિણામે તેમના વિરુદ્ધ સતત નારેબાજી કરવામાં આવી અને તેમના પર ઇંડાં પણ ફેંકવામાં આવ્યાં હતાં.