ઇરાન પર મોટા હુમલાની તૈયારીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે અત્યંત નાજુક તબક્કે પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ  ઈરાન પર ફરી એક વાર વધુ મોટા હુમલાઓ કરવાની “ગંભીરતાથી વિચારણા” કરી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો છેલ્લી ક્ષણ સુધી ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ નહીં આવે તો અમેરિકા સૈન્ય કાર્યવાહીનો માર્ગ પસંદ કરશે. તણાવની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વીકએન્ડે તેમના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પના લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ રદ કરી દીધો છે, જેથી તેઓ વ્હાઇટ હાઉસમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી શકે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે સરકાર સાથે જોડાયેલી પરિસ્થિતિઓ અને દેશ પ્રત્યેની પોતાની ફરજને કારણે તેઓ આ વીકએન્ડે વોશિંગ્ટન ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસમાં જ રહેશે અને પોતાના પુત્રના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. અગાઉ તેઓ ન્યુ જર્સીના બેડમિનસ્ટર ગોલ્ફ ક્લબમાં વીકએન્ડ પસાર કરવાના હતા, પરંતુ શુક્રવાર સાંજે તેઓ ફરી વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા.

વ્હાઇટ હાઉસમાં બેઠક અને કૂટનીતિનો અંતિમ પ્રયાસ

શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાની સિનિયર નેશનલ સિક્યોરિટી ટીમ સાથે અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી હતી બે અમેરિકન અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે આ બેઠકમાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને ભવિષ્યની વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સંરક્ષણપ્રધાન,  CIA ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

ટ્રમ્પની નારાજગી  ‘નિર્ણાયક’ સૈન્ય ઓપરેશનની યોજના

ટ્રમ્પના નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે  રાષ્ટ્રપતિ હવે એક અંતિમ અને “નિર્ણાયક” મોટા સૈન્ય ઓપરેશનની શક્યતા પર વિચાર કરી રહ્યા છે. તેમની યોજના એવી છે કે આ અંતિમ હુમલા બાદ તેઓ પોતાની જીતની જાહેરાત કરી શકે અને આ યુદ્ધને હંમેશા માટે સમાપ્ત થયેલું જાહેર કરી શકે. હાલમાં વિશ્વની નજર છેલ્લી ક્ષણની આ કૂટનીતિક કોશિશો પર ટકી છે, કારણ કે જો વાતચીત નિષ્ફળ જશે તો મધ્ય પૂર્વમાં વધુ એક વિનાશકારી સૈન્ય અથડામણ શરૂ થઈ શકે છે.