નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો શનિવારે સવારે કોલકાતા પહોંચ્યા હતા. છેલ્લાં 14 વર્ષમાં કોઈ ટોચના અમેરિકન રાજદૂતની પૂર્વીય મહાનગરમાં આ પહેલી મુલાકાત છે. રુબિયો ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે.
લેન્ડિંગ બાદ તરત જ રુબિયોએ મધ્ય કોલકાતામાં આવેલા મિશનરીઝ ઓઇ ચેરિટી (Missionaries of Charity)ના વૈશ્વિક મુખ્યાલય ‘મધર હાઉસ’ની મુલાકાત લીધી હતી. એ સાથે જ નજીકમાં આવેલા ચિલ્ડ્રન્સ હોમની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રતિકાત્મક અને સાંસ્કૃતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોલકાતાની મુલાકાત લેનારી છેલ્લી અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન હતાં, જેમણે મે, 2012માં આ શહેરની મુલાકાત લીધી હતી.
રુબિયોની ભારતની આ પહેલી સત્તાવાર મુલાકાત વેપાર, ટેક્નોલોજી, રક્ષા, ઊર્જા સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના જેવાં ક્ષેત્રોમાં વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સહકારને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે વધી રહેલા વ્યૂહાત્મક તાલમેલ વચ્ચે આ પ્રવાસ ખાસ મહત્વ ધરાવે છે. એ સાથે જ 26 મેએ નવી દિલ્હીમાં યોજાનારી ક્વાડ ના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં આ મુલાકાત થઈ રહી છે. દેશમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ કોલકાતા એરપોર્ટ પર રુબિયોના સ્વાગત માટે હાજર રહ્યા હતા. રુબિયોના આગમનની માહિતી તેમણે X પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રુબિયો બાદમાં વડા પ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ ભારતીય નેતાઓ સાથે ચર્ચા કરવા નવી દિલ્હીની મુલાકાત લેશે.
Honored to welcome my friend @SecRubio to India! We have an ambitious agenda ahead, including the Quad Foreign Ministers Meeting, focused on advancing @POTUS‘ vision for an even stronger U.S.-India partnership. Looking forward to great conversations and making real progress… pic.twitter.com/NpCQRVeUIm
— Ambassador Sergio Gor (@USAmbIndia) May 23, 2026
અમેરિકન રાજદૂતના જણાવ્યા અનુસાર આવનારી બેઠકોમાં સંરક્ષણ ભાગીદારી, અદ્યતન ટેક્નોલોજી, વેપાર સંબંધો અને QUAD માળખા હેઠળના સહકાર જેવા મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ મુલાકાત પહેલાં જ રુબિયોએ ગુરુવારે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન ભારત સાથે ઊર્જા ભાગીદારીમાં મોટા પાયે વધારો કરવા ઇચ્છુક છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા ભારત જેટલી ઊર્જા ખરીદવા તૈયાર હશે તેટલો સપ્લાય આપવા તૈયાર છે.




