કુણાલ ગાંજાવાલા (Kunal Ganjawala)ની ગાયક તરીકેની કારકિર્દીનો ખરો જન્મ ફિલ્મ મર્ડર (Murder) (2004) ના ‘ભીગે હોઠ તેરે…’ ગીતથી થયો હતો. કુણાલે ક્યારેય
પ્રોફેશનલ ગાયક બનવાનું વિચાર્યું નહોતું.
સ્કૂલ પૂરી કરીને જ્યારે તે કોલેજમાં આવ્યો ત્યારે યુનિફોર્મમાંથી મુક્તિ મળી અને ટી-શર્ટ પહેરીને ફરવાની આઝાદી મળ્યાનો આનંદ હતો. કોલેજ સવારે શરૂ થઈને બપોરે પૂરી થઈ જતી હતી. જો સીધો ઘરે જાય તો વહેલો પહોંચી જવું પડે. પરંતુ કુણાલને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં રીગલ થિયેટરની આસપાસ મિત્રો સાથે વધુ સમય વિતાવવો હતો. તેથી મોડા સુધી બહાર રહેવાનું એક યોગ્ય બહાનું શોધવા માટે તેણે એક્ટિંગ ક્લાસમાં પ્રવેશ લઈ લીધો, જેથી માતા-પિતાને કહી શકે કે એક્ટિંગના ક્લાસ ક્યારેક રાત્રે આઠ વાગ્યા સુધી પણ ચાલે છે.

એક્ટિંગનો કોઈ ખાસ શોખ નહોતો. માત્ર મોજ-મસ્તી માટે આ ઉપાય કર્યો હતો. એ જ એક્ટિંગ ક્લાસમાં તેની મુલાકાત જાણીતા અભિનેતા અને વીજે લ્યુક કેની સાથે થઈ, જે ત્યાં સિનિયર હતા.
એક દિવસ એક્ટિંગ સ્કૂલના ડાયરેક્ટર આવ્યા નહોતા. તે સમયે કુણાલ કોલેજમાં સીટી વગાડી રહ્યો હતો ત્યારે એક સિનિયરે તેને પકડી લીધો અને ગાવા માટે દબાણ કર્યું. આખરે કુણાલે ગાવું પડ્યું. તેનો અવાજ સાંભળીને સિનિયર્સ એટલા પ્રભાવિત થયા કે તેને સીધા કોલેજના કલ્ચરલ સેક્રેટરી પાસે લઈ ગયા અને નામ નોંધાવી દીધું કે આ છોકરો કોલેજ ફંક્શનમાં ગાશે.
તે ફંક્શન પછી કુણાલ અવારનવાર ઇન્ટર-કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગ્યો. 1992માં એક સ્પર્ધા દરમિયાન પૂર્ણિમા શ્રેષ્ઠાની નજર કુણાલ પર પડી. તેઓ તેના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેને સીધા ફિલ્મ સેન્ટર અને મોટા સ્ટુડિયોઝમાં લઈ ગયા. તેમણે કુણાલની મુલાકાત અનુ મલિક (anu malik), આનંદ-મિલિંદ, લુઈસ બેંક્સ અને રણજીત બારોટ જેવા મોટા સંગીતકારો સાથે કરાવી. ત્યારબાદ કુણાલ જિંગલ્સ અને કેટલાક ગીતો ગાવા લાગ્યો.

ત્યારબાદ આવ્યું મર્ડરના ‘ભીગે હોઠ તેરે…’ ગીતનું પ્રકરણ, જેની કહાની ખૂબ રસપ્રદ છે. અસલમાં આ ગીત કોઈ બીજા ગાયકના અવાજમાં રેકોર્ડ થવાનું હતું. દિવાળીના દિવસોમાં અનુ મલિકે કુણાલને તાત્કાલિક સ્ટુડિયોમાં બોલાવ્યો અને અડધા કલાકમાં જ રેકોર્ડિંગ પૂર્ણ કરી દીધું.
જ્યારે પહેલી વખત કુણાલે ગીતના શબ્દો વાંચ્યા ત્યારે તે ગભરાઈ ગયો હતો. તેને ડર હતો કે આ ગીત અશ્લીલ ગણાશે તો તેની કારકિર્દી પર શું અસર પડશે? પરંતુ અનુ મલિકે તેને વધુ વિચારવાનો કે રિહર્સલ કરવાનો સમય આપ્યો નહોતો.
ગીત રેકોર્ડ થયા પછી જ્યારે કુણાલે પોતાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે ફરી ગાવાની જીદ કરી. પરંતુ અનુ મલિક અને મુકેશ ભટ્ટ ગીતથી એટલા ખુશ હતા કે તેમણે ના પાડી દીધી. મુકેશ ભટ્ટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે નવા સ્ટારનો જન્મ થઈ ચૂક્યો છે.

ગીત તૈયાર થયા પછી અનુ મલિકે જ્યારે ચેક આપ્યો ત્યારે તેમાં પહેલાં બીજા કોઈનું નામ લખાયેલું હતું અને તેના પર સફેદો મારીને કુણાલનું નામ લખવામાં આવ્યું હતું. અનુ મલિક અને મુકેશ ભટ્ટે સ્વીકાર્યું હતું કે આ ગીત કોઈ બીજા ગાયક માટે હતું. જોકે, તેમણે ક્યારેય તે ગાયકનું નામ જાહેર કર્યું નહીં.
પરંતુ આ એક જ ગીતે કુણાલ ગાંજાવાલાને બોલિવૂડના ટોચના ગાયકોની યાદીમાં લાવીને મૂકી દીધો.




