રીના રૉયે મજબૂરીમાં સ્વીકારેલી ‘નાગિન’થી સફળતા મેળવી!

કેટલીક ફિલ્મો એવી હોય છે જે કલાકારની કિસ્મત રાતોરાત બદલી નાખે છે. વર્ષ 1976માં આવેલી દિગ્દર્શક રાજકુમાર કોહલીની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘નાગિન’ (Nagin) આ કેટેગરીમાં મોખરે આવે છે. આજે આ ફિલ્મને માત્ર એક સિનેમેટિક માસ્ટરપીસ તરીકે જ નહીં, પરંતુ અભિનેત્રી રીના રૉયના જીવનના સૌથી મોટા ટર્નિંગ પૉઇન્ટ તરીકે યાદ કરવામાં આવે છે.

પરંતુ જે ફિલ્મે તેમને ‘નાગિન ગર્લ’ તરીકે અમર કરી દીધાં, તે રોલ ઑફર થતાંની સાથે જ મોટાભાગની ટોચની અભિનેત્રીઓએ ઠુકરાવી દીધો હતો. તે જમાનામાં ‘ઇચ્છાધારી નાગિન’ કે સાપ જેવા અમાનવીય વિષયો પર ફિલ્મોનું જોખમ કોઈ લેવા માગતું ન હતું. તે સમયની સ્થાપિત અને ગ્લેમરસ હિરોઇનો પોતાની રોમેન્ટિક છબીને લઈને અત્યંત સાવચેત રહેતી હતી. તેમને મોટો ડર હતો કે સાપ કે નાગિન બનવા જેવું વિચિત્ર પાત્ર ભજવવાથી તેમની કારકિર્દી કાયમ માટે ડૂબી જશે અને દર્શકો તેમને સ્વીકારશે નહીં.

પરિણામે, રાજકુમાર કોહલીની આ મલ્ટી-સ્ટારર ફિલ્મ માટે જ્યારે મોટા ગજાની અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સૌએ એકસામટી ના પાડી દીધી.

જ્યારે ચારે તરફથી નકારાત્મક જવાબો મળી રહ્યા હતા ત્યારે કોહલીની નજર પડી 1972ની ફિલ્મ ‘ઝરૂરત’ (Zaroorat)થી બૉલિવૂડમાં પગ મૂકનારી યુવાન અભિનેત્રી રીના રૉય પર. તે સમયે રીના ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા સંઘર્ષ કરી રહી હતી.

જ્યારે તેમને આ ભૂમિકા ઑફર થઈ ત્યારે તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ખાસ કરીને રીનાની માતા ખૂબ જ ચિંતિત હતાં કે આવા વિવાદાસ્પદ અને નકારાત્મક શેડવાળા રોલથી તેમની કારકિર્દી ખરાબ થઈ જશે.

પરંતુ રીના રૉયનો સ્વભાવ અલગ હતો. તેમની પાસે ગુમાવવા માટે ખાસ કંઈ નહોતું અને તેમને આ કથા તેમજ પાત્રમાં એક અનોખો દમ નજરે પડ્યો. તેમણે પોતાની માતાને આશ્વાસન આપ્યું અને તમામ ખચકાટ બાજુ પર મૂકીને આ પડકારને ઝીલી લીધો.

રીનાનો ડાન્સ પ્રત્યેનો ગાઢ પ્રેમ અને તેમની શાનદાર ડાન્સિંગ સ્કિલ આ ફિલ્મ મેળવવામાં સૌથી મોટું હથિયાર સાબિત થઈ.

ફિલ્મ રિલીઝ થઈ અને બૉલિવૂડમાં ભૂકંપ આવી ગયો. રીના રૉયે આ ફિલ્મી પાત્રમાં ખરેખર પ્રાણ ફૂંકી દીધા હતા. તેમની સાપ જેવી તીક્ષ્ણ આંખો, માદક હાવભાવ અને અદ્ભુત નૃત્યે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.

ફિલ્મનું સુપરહિટ ગીત ‘તેરે સંગ પ્યાર મેં…’ અને રીનાનું કાતિલ નૃત્ય આજે પણ સંગીતપ્રેમીઓના દિલમાં તાજું છે. જે રોલને ડરના કારણે સૌએ ફગાવી દીધો હતો, તે જ રોલે રીના રૉયને રાતોરાત બૉલિવૂડની ટોચની સુપરસ્ટાર બનાવી દીધી.

ઇમેજ બગડવાની તો દૂરની વાત છે, ઊલટાનું આ ફિલ્મે તેમને હંમેશાં માટે ‘નાગિન ગર્લ’નું ગૌરવવંતું બિરુદ અપાવ્યું. જ્યારે દુનિયા ડરતી હતી ત્યારે રીનાએ પોતાના આત્મવિશ્વાસ અને મહેનતથી ઇતિહાસ રચી દીધો.