બંગાળમાં ઇમામોનું ભથ્થું, પૂજારીઓનું માનદ્ વેતન પહેલી જૂનથી બંધ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકારે મોટો નિર્ણય લીધો છે. સોમવારે યોજાયેલી બીજી કેબિનેટ બેઠકમાં સરકારે ધર્મને આધારે આપવામાં આવતી સરકારી સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પહેલી જૂનથી અમલમાં આવશે. એટલે કે પહેલી જૂનથી બંગાળમાં ઇમામો-મુઅજ્જિનોને મળતું ભથ્થું અને પૂજારીઓને મળતું માનદ વેતન બંધ થઈ જશે. મમતા બેનરજીની સરકાર દરમિયાન આ તમામ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. મમતા સરકારમાં ઇમામોને દર મહિને 3000 રૂપિયા, મુઅજ્જિનોને 1500 રૂપિયા અને પૂજારીઓને 2000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવતું હતું.

સુવેન્દુ સરકારના આ નિર્ણયથી હજારો લોકો પર અસર પડી શકે છે. મમતા સરકાર દરમિયાન ઇમામો-મુઅજ્જિનો અને પૂજારીઓને દર મહિને ભથ્થું મળતું હતું, પરંતુ હવે પહેલી જૂનથી આ તમામ સહાય બંધ થઈ જશે. આ ઉપરાંત બીજી કેટલીક યોજનાઓ પર પણ અસર પડી શકે છે, જોકે વિગતવાર નોટિફિકેશન આવ્યા બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

કઈ-કઈ યોજનાઓ પર પડશે અસર?

  • ઇમામો માટે ભથ્થું: 2012માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. ઇમામોને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવતા હતા. બંગાળમાં ચૂંટણી પહેલાં મમતા સરકારે તેમાં 500 રૂપિયાનો વધારો કરીને 3000 રૂપિયા કર્યા હતા.
  • મુઅજ્જિનો માટે ભથ્થું: ઇમામો પછી મમતા સરકારે મુઅજ્જિનો માટે પણ માસિક ભથ્થાની યોજના શરૂ કરી હતી. મુઅજ્જિન મસ્જિદોમાં નમાજ માટે લોકોને બોલાવવાનું કામ કરે છે. તેમને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવતા હતા.

  • પૂજારીઓ માટે ભથ્થું: 2020માં મમતા સરકારે મંદિરોના પૂજારીઓ અને પુરોહિતો માટે પણ આવી જ યોજના શરૂ કરી હતી. શરૂઆતમાં 1000 રૂપિયા મળતા હતા, જેને આ વર્ષની ચૂંટણી પહેલાં વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યા હતા.
  • કેબિનેટ બેઠકમાં લેવાયેલા બે મોટા નિર્ણયોઃ મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની અગાઉની સરકાર દરમિયાન ફંડના વિતરણમાં થયેલી ગેરરીતિઓની તપાસ માટે એક કમિશન બનાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે TMC સરકાર દરમિયાન થયેલા કથિત સંસ્થાગત ભ્રષ્ટાચારની તપાસ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ બિશ્વજિત દાસની આગેવાની હેઠળ તપાસ પંચ રચાયું છે.