ઓઇલ, સોનાને લીધે વેપાર ખાધમાં આઠ અબજ ડોલરનો વધારો

નવી દિલ્હીઃ એપ્રિલ, 2026માં દેશની વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) અચાનક ઘણી વધી ગઈ. માર્ચમાં જ્યાં તે લગભગ 21 અબજ ડોલર હતી, ત્યાં એપ્રિલમાં વધીને 28 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. એટલે કે માત્ર એક મહિનામાં જ લગભગ આઠ અબજ ડોલરનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. એ પાછળનું સૌથી મોટું કારણ મોંઘું ઓઇલ, વધેલી સોનાની આયાત અને ઇલેક્ટ્રોનિક્સ માલસામાનની વધતી આયાત રહ્યું છે. અહેવાલ મુજબ ઓઇલ અને સોનાથી જોડાયેલી ખાધમાં એકલા લગભગ બે-બે અબજ ડોલરનો વધારો થયો છે, પરંતુ સૌથી વધુ ચિંતા ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરે વધારી છે. મોબાઇલ, ચિપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ માલસામાનની વધતી આયાતને કારણે ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ ડેફિસિટ રેકોર્ડ 7.6 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.

HDFC બેન્કના રિપોર્ટ મુજબ એપ્રિલમાં દેશનું કુલ આયાત બિલ વધીને 71.9 અબજ ડોલર સુધી પહોંચી ગયું, જે વાર્ષિક ધોરણે 10 ટકા વધારે છે. માર્ચમાં આયાતમાં ઘટાડો થયો હતો, પરંતુ એપ્રિલમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ સોનું, ઇલેક્ટ્રોનિક્સ અને મશીનરી આયાતમાં તેજી રહ્યું. અહેવાલ મુજબ કોર ટ્રેડ ડેફિસિટ એટલે કે ઓઇલ અને સોનાને છોડીને બાકીની વેપાર ખાધ માર્ચના 9 અબજ ડોલરથી વધીને એપ્રિલમાં 13 અબજ ડોલર થઈ ગઈ. સૌથી વધુ ચિંતા ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને લઈને જોવા મળી છે. મોબાઇલ ફોન, ચિપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ માલસામાનની આયાતને કારણે ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ ડેફિસિટ રેકોર્ડ 7.6 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. HDFC બેન્કે પણ જણાવ્યું છે કે નોન-ઓઇલ અને નોન-ગોલ્ડ આયાતમાં લગભગ 15 ટકાનો વધારો થયો, જેમાંથી લગભગ 70 ટકા ફાળો ઇલેક્ટ્રોનિક્સ અને મશીનરીનો રહ્યો છએ. આથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર ઝડપથી વધી રહ્યું છે, પરંતુ તેના માટે આયાત પર નિર્ભરતા પણ વધી રહી છે.

 સોનાની આયાતે બગાડ્યો આખો હિસાબ

એપ્રિલમાં સોનું અને ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 82 ટકા વધી ગઈ. HDFC બેન્કના રિપોર્ટ મુજબ તેનું મુખ્ય કારણ અક્ષય તૃતિયા જેવા તહેવારો દરમિયાન વધેલી ખરીદી અને ગોલ્ડ ETFમાં સતત રોકાણ રહ્યું. રસપ્રદ વાત એ છે કે સોનાના ભાવ ખૂબ ઊંચા હોવા છતાં માગ નબળી પડી નથી. આ જ કારણથી ગોલ્ડ આયાત બિલ ઝડપથી વધી ગયું છે.