ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલયના ગુજરાત વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જે ગુજરાતમાં 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જનગણના 2027 એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. આ જનગણનાની પ્રક્રિયા સમજવા માટે ચિત્રલેખા.કોમએ ગુજરાતના વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા સાથે ખાસ વાતચીત કરી. તેમની પાસેથી સામાન્ય લોકોના જે પ્રશ્નો ઉદ્દભવતા હોય છે તેનાં વિશે અમે જવાબો મેળવ્યા…
ચિત્રલેખા: આ ભારતની પ્રથમ ‘ડિજિટલ જનગણના’ થઈ રહી છે, તો ડેટા કલેક્શનની પ્રક્રિયા જૂની પદ્ધતિ કરતા કેટલી અલગ છે?
સુજલ જે. મયાત્રા: ડિજિટલ વસ્તી ગણતરી જૂની પેપર પધ્ધતિ કરતાં ઘણી અલગ છે. પેપર પધ્ધિતમાં ગણતરીદાર પેપર પત્રકમાં ડેટા ભરીને પછી તે પત્રકોને જનગણનાની કચેરીમાં પોસ્ટ મારફતે મોકલાવતા હતા. તેનું પ્રિ-સ્કેનીંગ સ્કેનીંગ, ડેટા એન્ટ્રી કરવામાં આવતું હતું. જેથી જનગણનાના ડેટાને પ્રકાશિત કરવામાં સમય લગાતો હતો. આ વખતે ડિજિટલ પધ્ધતિમાં પ્રથમ વખત સ્વ-ગણતરી પોર્ટલ ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પોતાની માહિતી જાતે ભરી શકશે. આ સિવાય વાસ્તવિક ફિલ્ડ કામગીરી માટે પણ ઘરયાદીની HLO એપ વિકસાવવામાં આવી છે. જેનાથી ગણતરીદાર ડેટા ભરે પછી તે ડાયરેક્ટ સેન્ટ્રલ સર્વર પર અપલોડ થઈ જશે. આમ વસ્તી ગણતરીના ડેટાને પ્રકાશિત કરવામાં પહેલાં કરતાં ઘણો ઓછો સમય લાગશે.
આ વિશાળ કામગીરી માટે ગુજરાતમાં અંદાજે કેટલાં કર્મચારીઓ જોડાયા છે? તેમને કેવી તાલીમ આપવામાં આવી છે?
આ કામગીરીમાં અંદાજે 1.10 લાખ કર્મચારીઓ જોડાયેલા છે અને તેમને ઘરયાદીની તાલીમમાં પૂછવામાં આવનાર પ્રશ્નો અને તેના જવાબો વિશે વિગતવાર તાલીમ આપવામાં આવી રહી છે.
આજકાલ ફ્રોડ વધ્યા છે, તો સામાન્ય નાગરિક કેવી રીતે ઓળખી શકે કે ઘરે આવેલી વ્યક્તિ અસલી સરકારી ગણતરીદાર જ છે? તેમની પાસે કયા પ્રકારનું ઓળખપત્ર હશે?
સામાન્ય નાગરિક તેમના ઘરે આવનાર ગણતરીદાર પાસેના આઈકાર્ડમાં રહેલ બારકોડને સ્કેન કરીને ચકાસણી કરી શકે છે.
‘સેલ્ફ એન્યુમરેશન’ (પોતાની વિગતો જાતે ભરવી)ની સુવિધા નાગરિકો કેવી રીતે કરી શકે છે અને તે કેટલી સુરક્ષિત છે? આ પ્રક્રિયા કર્યા પછી સરકાર તરફથી શું કોઈ કોડ મળે છે?
નાગરિકો ‘સેલ્ફ એન્યુમરેશન’ પોર્ટલ se.census.gov.in પરથી આ સુવિધા પ્રાપ્ત કરી શકે છે. તે ડેટા જનગણના અધિનિયમ, 1948 હેઠળ સુરક્ષિત છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એક 11 આંકડાનો Hથી શરૂ થતો SE ID મળે છે.
છેવાડાના ગામડાંઓ અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે?
આ સંબંધમાં ચાર્જ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે કે તેઓ આવા વિસ્તોરોની ખાસ નોંધ રાખે. આ વિસ્તારમાં કામગીરી માટે નિયુક્ત કરવામાં આવેલ ગણતરીદારોને ખાસ સુવિધા અને સુરક્ષા પૂરી પાડવામાં આવવાની છે.
ગણતરીદાર ઘરે આવે ત્યારે સામાન્ય વ્યક્તિએ શું તેમને કોઈપણ પ્રકારના દસ્તાવેજો બતાવવાના રહેશે?
ના, વસ્તી ગણતરીની કામગીરીમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવતા નથી.
આ વખતના સર્વેમાં 33 જેટલાં પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યાં છે. કેવાં પ્રકારના પ્રશ્નો છે અને શું દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે?
આ વખતના ઘરયાદીના સર્વેમાં પૂછવામાં આવનાર 33 પ્રશ્નો આવાસની સ્થિતિ, કુટુંબ પાસે ઉપલબ્ધ સુવિધાઓ અને સંપત્તિની માહિતી વિશેના છે. દરેક પ્રશ્નોના જવાબ નાગરિક પોતાની સમજ પ્રમાણે સાચા અને સંપૂર્ણ આપવા માટે જનગણના અધિનિયમ, 1948ની કલમ 8(2) હેઠળ બંધાયેલ છે.
જો ગણતરીદાર ઘરે આવે ત્યારે ઘરે કોઈ હાજર ન હોય તો તે પરિવારે શું કરવું? શું ફરીથી એપોઇન્ટમેન્ટ લઈ શકાય?
હા, ગણતરીદાર બંધ ઘરના કિસ્સામાં ઘરના દરવાજામાંથી એક સ્લીપ અંદરની બાજુ સરકાઈને જશે. જેમાં ગણતરીદારનું નામ અને મોબાઈલ નંબર લખેલ હશે. તે નંબર પર સંપર્ક કરી પરિવાર અનુકૂળ સમયે ગણતરીદારને બોલાવી માહિતી આપી શકે છે. આ સિવાય ગણતરીદાર બંધ ઘર માટે વધુમાં વધુ ત્રણ વખત મુલાકાત લેશે અને પાડોશી પાસેથી પણ પરિવારનો મોબાઈલ નંબર લઈ એપાઈન્ટમેન્ટ લઈ શકે છે.
જો વ્યક્તિ ભૂલથી ખોટી વિગત આપી દે તો, તેને સુધારવા માટે તેની પાસે કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે?
જો વ્યક્તિ ભૂલથી ખોટી વિગત આપી દે તો, તા. 30 જૂન, 2026 સુધીમાં ગણતરીદારનો સંપર્ક કરી સુધારો કરાવી શકે છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)



