અમદાવાદ: કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) 2026માં આલિયા ભટ્ટ (Alia Bhatt)નો પ્રથમ લુક ખૂબ જ વાયરલ થઈ ગયો. ઓફિશિયલ રેડ કાર્પેટ ઈવેન્ટ પહેલાં આલિયા હોટેલ માર્ટિનેઝની બહાર એક અત્યંત સોફિસ્ટિકેટેડ, પેસ્ટલ કલરના ક્યૂચર ગાઉનમાં જોવા મળી.
આલિયાએ એક સ્ટ્રક્ચર્ડ કોર્સેટ બૉલગાઉન પહેર્યું હતું. આ હેન્ડપ્રિન્ટેડ (Hand Printed) આર્ટવર્ક ફ્રેન્ચ રિવેરાથી પ્રેરિત હતું. જો કે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આર્ટિસ્ટિક આઉટફિટ પાછળ જે વ્યક્તિનો મહત્ત્વનો ફાળો છે, તે બાસુરી ચોક્સી (Basuri Choksi) ગુજરાતી છે.
આલિયાએ જ્યારે આ ડ્રેસમાં એન્ટ્રી લીધી ત્યારે તે માત્ર એક ડિઝાઈનર આઉટફિટમાં નહોતી, પણ જાણે કે કેનવાસ પરથી જીવંત થયેલી કોઈ કલાકૃતિ હોય તેવું લાગતું હતું. સોફ્ટ કલર્સ, ફ્લુઈડ ટેક્સચર અને સોફ્ટ બ્રશવર્કને કારણે આ લૂક ફેશન કરતાં વધુ ‘મૂવિંગ આર્ટ’ જેવું લાગી રહ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર તરત જ એક સવાલ ગૂંજવા લાગ્યો, આ અદભૂત સર્જન પાછળ કોનો હાથ છે? અને જવાબ મળ્યો, આ હાથથી પેઈન્ટ કરેલી વિઝ્યુઅલ સ્ટોરી પાછળ કલાકાર બાસુરી ચોક્સી છે, જે હવે મેઈનસ્ટ્રીમ ફેશન જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે આ એક જ ડ્રેસમાં તેમણે લેન્ડસ્કેપ્સ, લેવન્ડરના ખેતરો અને શાશ્વત રોમાંસને દરેક બ્રશસ્ટ્રોકમાં કંડાર્યા છે.
35 વર્ષીય બાસુરીનો જન્મ અને ઉછેર અમદાવાદ (Ahmedabad)માં જ થયો છે. તેમના પિતા મુકેશભાઈ ચોક્સી જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા છે. જ્યારે માતા જૈનાબેન ચોક્સી એક ગૃહિણી છે. બાસુરીએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ કામ કરતાં-કરતાં તેમને અનુભવ થયો કે તેમને ડિઝાઇનિંગ કરતાં આર્ટમાં વધુ રસ છે. આથી તેમણે પોતાની કલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષ 2015થી તેમણે આર્ટ વર્કશોપ કરાવવાનું શરૂ કર્યું. સાથે-સાથે કેન્વાસ પેઈન્ટિંગ તો ખરૂં જ અને ધીમેધીમે વૉલ પેઈન્ટિંગ કરવાનું શરૂ કર્યું… લગ્ન બાદ બાસુરીને પતિ શિવ શર્મા અને સાસુ-સસરાનો ખૂબ જ સારો સાથ મળ્યો. પતિ સાથે મળીને તેમણે આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો. જેમાં અત્યારે સાથે મળીને તેઓ મલ્ટિપલ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યા છે.
બાસુરીના કામની ધીમે-ધીમે ચર્ચા વધવા લાગી. સોશિયલ મીડિયાના માધ્યમથી પેન ઈન્ડિયા તેમને નવી ઓળખ મળી. હવે મોટાં પ્રોજેક્ટ પણ મળવા લાગ્યા. બાસુરીએ અંબાણી હાઉસ માટે કામ કર્યું છે. સાથઉના જાણીતા અભિનેત્રી નયનતારાના ઘર માટે તેમના મંદિરના દરવાજા બનારસ થીમ પર પેઈન્ટ કર્યા. સાથે જ સોનમ કપૂરના ઘર માટે પણ તેમણે એક ખાસ પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. આથી આલિયાનો લુક જેમણે ડિઝાઈન કર્યો છે તે, રિયા કપૂરે (Rhea Kapoor) બાસુરીનો કોન્ટેક્ટ કર્યો હતો. કારણ કે સોનમના લીધે રિયા બાસુરીના કામ વિશે સારી રીતે જાણતા હતા.
આ પ્રોજેક્ટ વિશે બાસુરીનું કહેવું છે, “જ્યારે રિયા કપૂર તરફથી આ પ્રોજેક્ટ મળ્યો ત્યારે પહેલાં તો હું ખૂબ જ એક્સાઈટેડ હતી. પરંતુ તરત જ મેં મારી જાતને કામ પર ફોક્સ કરી. કારણ કે કામની સાથે જવાબદારી આવતી હોય છે. તેથી મને જે ફ્રેન્ચ રિવેરા (French Rivera)ની થીમ આપવામાં આવી હતી, તેના વિશે મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું. કાન્સ એ એક ફ્રેન્ચ રિવેરા પર સ્થિત રિસોર્ટ શહેર છે. ત્યાંની ટોપોગ્રાફી અદ્દભૂત છે. મેં ત્યાંનું મહત્વ, કલ્ચર અને જિયોગ્રાફી પર ઊંડું રિસર્ચ કર્યું. ત્યાંનું લેન્ડસ્કેપ બહુ નયનરમ્ય છે – દરિયો અને આકાશ બંનેના મિશ્રણથી ડાર્ક અને લાઈટ બ્લુના જે શેડ્સ બને છે, તે મેં પેઈન્ટિંગમાં ઉતાર્યા. ત્યાંની હિલ્સ પર લવન્ડર ફ્લાવરની ચાદર પથરાયેલી હોય છે, એટલે મેં તે પણ ડ્રેસ પર ઉતારી. રિયાએ સૂચવ્યું હતું કે આપણે ‘સમર અને હેપ્પી વાઈબ્સ’ મળે તેવું કામ કરીશું. બસ તે મગજમાં રાખીને ગાઉન પર મેં મારા મનના રંગો ઉતાર્યા.”
પ્રોજેક્ટ વિશે વધુમાં બાસુરી જણાવે છે કે, “વૉલ પેઈન્ટિંગ, કેન્વાસ પેઈન્ટિંગ અને ફેબ્રિક પેઈન્ટિંગ અલગઅલગ હોય છે. દિવાલ એક સ્ટેડી સરફેસ હોય છે. જ્યારે ફેબ્રિક પર કામ કરતાં સમયે વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે તે વધુ લૂઝ હોય છે. મને પાછું સેમી સ્ટિચ ગાઉન મળ્યું હતું. આથી વધુ ચિવટ સાથે કામ કરવું પડે.”
બાસુરી કોઈપણ પ્રોજેક્ટ હાથ પર લે છે તો તેમાં પોતાનો જીવ રેડી દે છે. દરેક પ્રોજેક્ટ માટે ખૂબ જ ઊંડું રિસર્ચ વર્ક કરે છે. આ વિશે બાસુરીનું કહેવું છે કે “કોઈ પોતાના જીવની નજીક હોય તેવાં ઘર કે ઓફિસને ડિઝાઈન કરવાનું કામ મને આપે છે, ત્યારે હું પણ સો ટકા એવો જ પ્રયત્ન કરું છું કે કોઈપણ મારું કરેલું કામ જુઓ અને જો થોડીક સેકન્ડ માટે પણ ટ્રાન્સફોર્મેશન ફિલ કરે તો મારું કામ સાર્થક થયું કહેવાય.”
અમદાવાદથી શરૂ થયેલી બાસુરીની સફર આજે ફ્રેન્ચ રિવેરાના વૈશ્વિક ફેશન મંચ સુધી પહોંચી છે. જેનાથી એકવાત ચોક્કસ સાબિત થાય છે કે જો તમારા હુનરમાં દમ હોય, તો કળાને વૈશ્વિક બનતા વાર લાગતી નથી. સમર્પણ અને સાચા પુરૂષાર્થ સાથેના બાસુરીના રંગોએ આલિયાને તો સજાવી જ, પણ સાથે-સાથે વૈશ્વિક ફેશનના નકશા પર ગુજરાતના નામનો પણ એક અનોખો રંગ પૂરી દીધો!
(રાધિકા રાઓલ – અમદાવાદ)




