નવી દિલ્હીઃ કેરળમાં વીડી સતીશનના નેતૃત્વ હેઠળ UDF સરકારે શપથ ગ્રહણ કર્યા હતા. UDFએ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. સતીશનના નવા મંત્રીમંડળમાં 14 નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલનો મંત્રીમંડળમાં પ્રભાવ યથાવત્ રહ્યો છે. વેણુગોપાલ પણ કેરળમાં મુખ્ય મંત્રી પદની દોડમાં સામેલ હતા. સતીશન પાસે નાણાં મંત્રાલય રહેશે, જ્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધી રમેશ ચેન્નિથલાને ગૃહ અને વિજિલન્સ જેવા મહત્વપૂર્ણ વિભાગો મળશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને મળનારા મહત્વના વિભાગોમાંથી મોટા ભાગના વિભાગો વેણુગોપાલ જૂથના નેતાઓને આપવામાં આવશે.
કોંગ્રેસે મંત્રીમંડળ રચનામાં ચાર નવા ધારાસભ્યોને મંત્રી પદ માટે પસંદ કર્યા છે અને અનેક વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રી બનવાની દોડમાંથી બહાર રાખ્યા છે. સતીશન એવા મંત્રીમંડળનું નેતૃત્વ સંભાળશે જેમાં તેમના બંને વિરોધી — ચેન્નિથલા અને કેસી વેણુગોપાલ —ના સમર્થક ધારાસભ્યોને મહત્વપૂર્ણ મંત્રાલયો મળશે.
IUMLને મળ્યા પાંચ મંત્રી પદ
UDF સરકારને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ( IUML)ના 22 ધારાસભ્યોનું પણ સમર્થન છે. IUMLને પાંચ મંત્રી પદ મળ્યા છે, જ્યારે કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (જેકબ), આરએસપી અને સીએમપીને એક-એક મંત્રી પદ આપવામાં આવ્યું છે. IUMLના રાજ્ય અધ્યક્ષ સૈયદ સાદિક અલી શિહાબ થંગલે જણાવ્યું હતું કે પાર્ટી પાસે તે વિભાગો જ રહેશે, જે 2011થી 2016 દરમિયાનની અગાઉની UDF સરકારમાં હતા. તેમણે કહ્યું કે અઢી વર્ષ બાદ IUMLના એક વધુ ધારાસભ્ય પરક્કલ અબદુલ્લાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.
𝑲𝒆𝒓𝒂𝒍𝒂𝒎 𝒆𝒎𝒃𝒂𝒓𝒌𝒔 𝒐𝒏 𝒂 𝒏𝒆𝒘 𝒋𝒐𝒖𝒓𝒏𝒆𝒚 𝒐𝒇 𝒑𝒓𝒐𝒈𝒓𝒆𝒔𝒔 𝒂𝒏𝒅 𝒑𝒆𝒐𝒑𝒍𝒆-𝒄𝒆𝒏𝒕𝒓𝒊𝒄 𝒈𝒐𝒗𝒆𝒓𝒏𝒂𝒏𝒄𝒆.
Shri @vdsatheesan takes oath as the Chief Minister of Keralam in Thiruvananthapuram.
📍 Keralam pic.twitter.com/W9coe4FNT3
— Congress (@INCIndia) May 18, 2026
અગાઉની UDF સરકારોમાં IUML પાસે ઉદ્યોગ, શિક્ષણ, જાહેર નિર્માણ, આઈટી અને સ્થાનિક સ્વરાજ જેવા વિભાગો હતા. IUMLના મંત્રીઓમાં કે.એમ. શાજીનું નામ પણ સામેલ છે. શાજીએ તાજેતરમાં “પાર્ટી સમુદાય માટે શાસન કરશે” એવા નિવેદનથી વિવાદ ઊભો કર્યો હતો. CM સતીશને વધુમાં જણાવ્યું હતું કે વિભાગોને લઈને સહમતી થઈ ચૂકી છે અને તેની સત્તાવાર જાહેરાત શપથ ગ્રહણ સમારોહ બાદ કરવામાં આવશે.




