કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તાજેતરની ચૂંટણીમાં થયેલી હાર બાદ સત્તારૂઢ TMCની અંદર અસંતોષ અને ઊથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. પાર્ટીપ્રમુખ મમતા બેનરજીની અધ્યક્ષતામાં રવિવારે યોજાનારી નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક પણ રદ કરવી પડી હતી, કારણ કે 80 ધારાસભ્યોમાંથી લગભગ બે તૃતીયાંશ (60) ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા નહોતા. બીજી તરફ અનેક નેતાઓએ TMCથી અંતર બનાવ્યું છે. 100થી વધુ TMC કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધાં છે. આ ઘટનાક્રમે પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણ અને અસંતોષની અટકળોને વધુ વેગ આપ્યો છે.
અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાનો ડર?
રદ થયેલી બેઠકનો હેતુ ચૂંટણી પરિણામોની સમીક્ષા અને આગામી રાજકીય વ્યૂહરચના નક્કી કરવાનો હતો. મમતા બેનર્જીએ આ બેઠક બોલાવી હતી, જેથી પાર્ટી આગળની દિશા નક્કી કરી શકે. જોકે મોટી સંખ્યામાં ધારાસભ્યોની ગેરહાજરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
પાર્ટીના પ્રવક્તા કૃણાલ ઘોષે ધારાસભ્યોની ગેરહાજરીનું કારણ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પર થયેલા કથિત હુમલા અને ત્યાર બાદ સાંસદ કલ્યાણ બેનરજી પર થયેલા હુમલા બાદ સર્જાયેલી ઇમર્જન્સી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. જોકે બંગાળના રાજકારણ પર નજર રાખનારાઓ આને ચૂંટણી હાર બાદ પાર્ટીની અંદર વધી રહેલી બેચેની સાથે પણ જોડીને જોઈ રહ્યા છે.
હારની અસર, TMCમાં ભાગદોડ
- TMC પ્રવક્તા બિશ્વજિત દેબે પદ પરથી રાજીનામું આપ્યું.
- શાંતનુ સેને TMC પ્રવક્તાપદેથી રાજીનામું આપ્યું.
- અભિજિત મજુમદારે આસામ TMC પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.
- કાકોલી ઘોષે TMCનાં તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપ્યું.
- અરૂપ ચક્રવર્તીએ TMC પ્રવક્તાપદેથી રાજીનામું આપ્યું.
- ડાયમંડ હાર્બરમાં TMCના આઠ કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.
- ચંદનનગરના મેયર રામ ચક્રવર્તીએ રાજીનામું આપ્યું.
- ચંદનનગરમાં 30 TMC કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.
- ભાટપાડામાં 30 TMC કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.
- ગારુલિયામાં 18 TMC કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.
- હાલીશહરમાં 16 TMC કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.
- ઉત્તર બૈરકપુરના ચેરમેન મલય ઘોષે રાજીનામું આપ્યું.
- ઉત્તર બૈરકપુરમાં 15 કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.
- કાંચરાપાડામાં 14 TMCકાઉન્સિલરોએ રાજીનામાં આપ્યાં.






