નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અસ્થાયી શ્રમિકોના સામાજિક અધિકારો અંગે એક ઐતિહાસિક અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સરકારી વિભાગમાં લાંબા સમય સુધી સતત સેવા આપનાર અનિયમિત અથવા અસ્થાયી કર્મચારીઓ પણ પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોના હકદાર છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એ. જી. મસિહની બેન્ચે સરકારની આ દલીલને નકારી કાઢી કે આવા કર્મચારીઓને પેન્શન આપવાથી સરકારી તિજોરી પર વધારાનો નાણાકીય બોજ પડશે.
એક વિધવા મહિલાની 18 વર્ષની કાનૂની લડત સફળ રહી
આ ઐતિહાસિક ચુકાદો બિહારની એક ગરીબ વિધવા મહિલાના લાંબા સંઘર્ષનું પરિણામ છે. મહિલાના પતિએ પોસ્ટ વિભાગમાં લગભગ 30 વર્ષ સુધી અસ્થાયી કર્મચારી (નાઇટ ગાર્ડ) તરીકે સેવા આપી હતી. તેના નિધન બાદ સરકારે તેને પેન્શન આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે ‘અસ્થાયી કર્મચારી’ હતો અને ક્યારેય નિયમિત (Regularise) કરવામાં આવ્યો નહોતો.
મહિલાએ હાર ન માની અને 18 વર્ષ સુધી કાનૂની લડત લડી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT), પટના હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી આ લડતમાં આખરે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી અને મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
‘પેન્શન કોઈ ખેરાત કે ભીખ નથી, તે કર્મચારીનો બંધારણીય અધિકાર છે’
અદાલતે સરકારને કડક શબ્દોમાં ઠપકો આપતાં જણાવ્યું હતું કે પેન્શન કોઈ ખેરાત, અનુગ્રહ કે ભીખ નથી, જેને નોકરીદાતા પોતાની આર્થિક સુવિધા અથવા ઇચ્છા મુજબ આપે કે ન આપે. તે કર્મચારીનો અમલમાં મૂકી શકાય એવો બંધારણીય અધિકાર છે, જે તેણે પોતાના જીવનના લાંબા અને કીમતી વર્ષો સેવા આપીને મેળવ્યો છે. પેન્શન એ સ્થગિત વેતન (Deferred Wage) સમાન છે.
અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર તમામ બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો સરકાર આ સમયમર્યાદામાં ચુકવણી નહીં કરે તો તેને છ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે. આ કેસમાં થયેલા ભેદભાવને લઈને પણ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું.






