શું ઉમર અબદુલ્લાની સરકાર પડવાની અણી પર છે?

શ્રીનગરઃ  જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં હાલમાં ગરમાટો આવ્યો છે. શું મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાની સરકાર પડવાની અણી પર છે? શું પાર્ટીના ધારાસભ્યો ઉમર અબદુલ્લાથી નારાજ છે? અને ઉમર અબદુલ્લાએ ત્રીજી જૂને તમામ ધારાસભ્યોની બેઠક શા માટે બોલાવી છે? આ તમામ પ્રશ્નોને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ દાવો કરી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબદુલ્લાની સરકાર ટૂંક સમયમાં પડવાની શક્યતા છે.

ડૂબતી નૌકાને બચાવવાનો પ્રયાસ – ભાજપ

મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ ત્રીજી જૂને ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવવાના નિર્ણય પર ટિપ્પણી કરતાં વિપક્ષના નેતા સુનીલ શર્મા અને ભાજપના વરિષ્ઠ નેતા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું કે ઉમર અબ્દુલ્લા પોતાની “ડૂબતી નૌકાને” બચાવવાનો અંતિમ અને નિરાશાજનક પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં જ સૌને ખબર પડી જશે કે ઉમર અબદુલ્લાની સરકારનું અસ્તિત્વ ખતમ થયું છે.

તેમણે જણાવ્યું કે પાર્ટીના ઘણા ધારાસભ્યો ઉમર અબદુલ્લાથી નારાજ છે. તેમને મનાવવાના અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ત્રીજી જૂનની બેઠકનો હેતુ નારાજ ધારાસભ્યોને ફરીથી પોતાના પક્ષમાં લાવવાનો અને સરકાર બચાવવાનો છેલ્લો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી જૂન સુધી રાહ જુઓ અને જુઓ કે બેઠક પછી શું થાય છે.

ઘણા ધારાસભ્યો અસંતોષમાં છે – મુન્તઝિર મહદી

ભાજપના આ દાવાઓનો જવાબ આપતાં પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતા મુન્તઝિર મહદીએ સ્વીકાર્યું હતું કે નેશનલ કોન્ફરન્સના કેટલાક ધારાસભ્યો ખરેખર પાર્ટીથી નારાજ છે અને પાર્ટી છોડવા માગે છે. તેમણે તેનું કારણ આપતાં કહ્યું હતું કે ઉમર અબ્દુલ્લા જનતાએ આપેલા જનાદેશને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ઉમર અબ્દુલ્લાહે શું કહ્યું?

વિપક્ષના નેતા સુનીલ શર્માના દાવાઓના જવાબમાં ઉમર અબ્દુલ્લાએ પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે લખ્યું હતું કે મને એ જોઈને આનંદ થાય છે કે મેં મારા ધારાસભ્યો સાથે જે બેઠક બોલાવી છે તેના વિશે સૌથી ઓછું જાણનારા લોકો સૌથી વધુ વાતો કરી રહ્યા છે. એક વાત યાદ રાખજો—જે જાણે છે તે બોલતા નથી અને જે બોલે છે તે વિપક્ષમાં બેઠા હોય છે.