સિદ્ધારમૈયાનું રાજીનામું, ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા CM

બેંગલુરુઃ કોંગ્રેસ હાઈકમાન્ડે તાજેતરમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને પદ છોડવા માટે કહ્યું હતું. હવે બે દિવસ બાદ નેતૃત્વ પરિવર્તનનો માર્ગ સાફ કરવા માટે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યપાલના સચિવને રાજીનામું સોંપ્યું છે. નોંધનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ હાલમાં બેંગલુરુમાં નથી. સિદ્ધારમૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું લોકભવન જઈને રાજીનામું આપી આવ્યો છું. રાજ્યપાલ થાવરચંદ ગહેલોત હાલમાં શહેરમાં નથી, તેથી મેં તેમના સચિવને રાજીનામું સોંપ્યું છે. હું ઘણા સમયથી કહી રહ્યો હતો કે જ્યારે પણ હાઈકમાન્ડ મને સૂચના આપશે ત્યારે હું રાજીનામું આપી દઈશ. ગઈ કાલે હાઈકમાન્ડે મને રાજીનામું આપવા કહ્યું હતું, તેથી આજે મેં રાજીનામું આપ્યું છે. મને બે વખત કર્ણાટકની જનતાની સેવા કરવાનો મોકો મળ્યો. હું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો આભાર માનું છું.

ડીકે શિવકુમાર બનશે નવા મુખ્ય મંત્રી

ડીકે શિવકુમાર નવા મુખ્ય મંત્રી બનવા માટે સંપૂર્ણ તૈયાર માનવામાં આવી રહ્યા છે, જ્યારે સરકારમાં બેથી ત્રણ ડેપ્યુટી CM પણ બનાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સતીશ જારકિહોલીને કર્ણાટક કોંગ્રેસના નવા પ્રદેશાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. તેઓ ડીકે શિવકુમારની જગ્યાએ આવશે. ડીકે 2020થી આ પદ પર છે.

નોંધનીય છે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વે મંગળવારે જ સિદ્ધારમૈયાને સંકેત આપ્યા હતા કે પાર્ટી નેતૃત્વમાં બદલાવ ઇચ્છે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને સત્તા હસ્તાંતરણ સરળ બનાવવામાં સહકાર આપવા કહ્યું હતું. જોકે ડીકે શિવકુમારને હજુ સુધી સત્તાવાર રીતે જણાવાયું નહોતું કે તેઓ જ આગામી મુખ્ય મંત્રી બનશે. તેમ છતાં તેઓ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.

કર્ણાટકમાં બની શકે છે 2-3 ડેપ્યુટી CM

સરકારમાં બેથી ત્રણ ઉપ મુખ્ય મંત્રી બનાવવાની શક્યતા છે. આ નિર્ણયમાં જાતિ અને પ્રાદેશિક સંતુલનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર એક ઉપ મુખ્ય મંત્રી લિંગાયત સમુદાયમાંથી અને એક દલિત સમુદાયમાંથી હોઈ શકે છે. જ્યારે ડીકે શિવકુમાર પોતે વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે.