નવી દિલ્હીઃ કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો તેજ બની ગઈ છે. જોકે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે, છતાં કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચર્ચા ગરમ છે કે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah) રાજીનામું આપે એવી શક્યતા છે. ગુરુવારે સિદ્ધારમૈયા CM પદ છોડે તેવી શક્યતા છે.
તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ડીકે શિવકુમાર (DK Shivakumar) અને સિદ્ધારમૈયા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે બેઠકમાં આવનારા મોરચા, રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચના અને ઉમેદવારો અંગે ચર્ચા થઈ હતી, પરંતુ સૂત્રોના હવાલાથી એવી માહિતી સામે આવી છે કે બેઠકમાં સિદ્ધારમૈયાને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો કે કોંગ્રેસ હાઈકમાન્ડ કર્ણાટકમાં સત્તા પરિવર્તન ઇચ્છે છે.કોંગ્રેસ હાઈકમાન્ડ 2029ની લોકસભા ચૂંટણીમાં સિદ્ધારમૈયાનો ઉપયોગ કરવા માગે છે. પાર્ટી માને છે કે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય કરવામાં આવે અને કર્ણાટકમાંથી દિલ્હીમાં લાવવામાં આવે. સિદ્ધારમૈયાને મોટા OBC ચહેરા તરીકે જોવામાં આવે છે, તેથી કોંગ્રેસ તેમને રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા આપવા માગે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સિદ્ધારમૈયાને વિશ્વાસ અપાયો છે કે જો તેઓ દિલ્હીમાં આવવા તૈયાર થશે તો તેમનાં રાજકીય હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેમને AICCમાં મોટું પદ આપવામાં આવી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ઇચ્છે છે કે આ રાજકીય પરિવર્તન સંપૂર્ણ સન્માનજનક રીતે થાય અને કર્ણાટકમાં કોઈ બળવો ન ફાટી નીકળે. સિદ્ધારમૈયાને મનાવવા માટે તેમના પુત્ર જિતેન્દ્રને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. બીજી તરફ, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે, પરંતુ આવશ્યક નથી કે ડીકે શિવકુમાર ને જ કર્ણાટકનો આગામી મુખ્ય મંત્રી બનાવવામાં આવે. કોંગ્રેસની અંદર એવી ચર્ચા પણ ચાલી રહી છે કે મલ્લિકાર્જુન ખડગેને પણ CM પદ માટે આગળ કરવામાં આવી શકે છે.




