
નર્મદા કેનાલ(Narmada Canal)ના કિનારે શાંતિનો અહેસાસ કરાવતું અને અમદાવાદીઓમાં ભારે આસ્થા ધરાવતું એક અદ્ભુત સ્થાનક એટલે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલ તાલુકાનું ઐતિહાસિક શેરીસા (Sherisa) ગામ. અદાણી શાંતિગ્રામ જાસપુર પાસે અને ગોતા તથા વડસરથી એકદમ નજીક આવેલું આ ગામ જૈન ધર્મનું એક પરમ પવિત્ર અને સુપ્રસિદ્ધ તીર્થધામ (Jain Tirth dham) છે. એક પ્રાચીન પદ્ય અનુસાર, ભગવાનના અભિષેક (નવણ) વખતે નગરની સાંકડી શેરીઓમાં પાણી ફેલાઈ જવાને કારણે આ સ્થાનકનું નામ ‘શેરીસા’ (Sherisa) પડ્યું હતું. સંવત 1389ના “વિવિધ તીર્થ કલ્પ” ગ્રંથ મુજબ, આચાર્ય દેવેન્દ્રસૂરિજીએ અહીં એક ટેકરામાંથી નીકળેલી શિલામાંથી સોપારકના અંધ શિલ્પી પાસે દિવ્ય મૂર્તિ ઘડાવી હતી. ત્યારબાદ ખાણમાંથી અન્ય 24 પ્રતિમાઓ મળી આવી. દેવેન્દ્રસૂરિજી અયોધ્યાથી લાવેલા ત્રણ અને ગૂર્જર નરેશ કુમારપાળે ભેટ આપેલી એક, એમ અન્ય ભવ્ય મૂર્તિઓ પણ અહીં પધરાવવામાં આવી, જેમાં મૂળનાયકની પ્રતિમા ‘લોડણ પાર્શ્વનાથ’ (Lodan Parshwanath) તરીકે જગપ્રસિદ્ધ થઈ.
16૬મી સદી પછી યુદ્ધ કે આફતોને કારણે મંદિર નષ્ટ થતાં શ્રાવકોએ મૂર્તિઓ ભંડારમાં સુરક્ષિત કરી દીધી હતી, જ્યારે સંવત 1420ના લેખવાળી અહીંની પદ્માવતી માતાની મૂર્તિ વિપ્લવ સમયે નરોડા લઈ જવાયેલી જે આજે પણ ત્યાં છે. વર્ષો પછી, સંવત 1955માં જૈન શ્રેષ્ઠીઓએ ખંડેરના કાટમાળમાંથી 4 ફીટ પહોળી શ્યામવર્ણની મૂર્તિ, સાડા છ ફીટ ઊંચા બે કાઉસગ્ગીયા અને અંબિકા દેવીની મનોહર મૂર્તિ શોધી કાઢી, જેને એક મકાન ખરીદીને ત્યાં પધરાવાઈ. અહીંથી મળેલી ફણાવાળી અન્ય એક વિશાળ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને લોકો વર્ષો સુધી ‘જોદ્ધા’ તરીકે પૂજતા અને બાધા રાખતા. વિ.સં. 1984 (ઇ.સ. 1928)માં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ આ તીર્થનો વહીવટ ‘શેઠ આણંદજી કલ્યાણજી પેઢી'(Seth Anandji Kalyanji Pedhi)ને સોંપ્યો. આજે આ નવનિર્મિત તીર્થમાં ધર્મશાળા (Dharamshala) અને ઉપાશ્રય જેવી તમામ આધુનિક સગવડો છે, જે ઉપધાન તપ, ઓળી આરાધના અને જ્ઞાન-ધ્યાનની શિબિરો માટે શાંતિનું અનુપમ પુણ્યધામ બની રહ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




