શું UP-ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં સમય પહેલાં ચૂંટણી થશે?

નવી દિલ્હીઃ પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય પહેલાં યોજાવાની શક્યતા છે. આવા સંકેતો મળ્યા છે, કારણ કે ભાજપે આ રાજ્યોના પોતાના રાજ્ય એકમોને ચૂંટણીની તૈયારીઓ ઝડપી બનાવવા માટે સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેનો હેતુ ચૂંટણી કાર્યક્રમ અને ફેબ્રુઆરી, 2027માં શરૂ થનારી જનગણનાની પ્રક્રિયા વચ્ચે ટકરાવ ટાળવાનો છે. દેશભરમાં જનગણનાના બીજા તબક્કાની કામગીરી આગામી વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ ચાર રાજ્યો ઉપરાંત મણિપુરમાં પણ ફેબ્રુઆરી, 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મણિપુર લાંબા સમયથી જાતીય હિંસાની સમસ્યાથી પ્રભાવિત છે અને ત્યાં પણ ચૂંટણી અંગે ભાજપ નેતૃત્વ કોઈ નિર્ણય લઈ શકે છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતથી ઊભી થયેલી ગતિ જાળવી રાખીને પાર્ટી આ રાજ્યોની ચૂંટણીમાં ઊતરવા માગે છે. તેથી રાજ્ય એકમોને સંગઠન મજબૂત કરીને વધુ મહેનત કરવાની સૂચના આપવામાં આવી છે.

હિંદુ મતદારોના એકીકરણની દલીલ

ભાજપના ઘણા નેતાઓનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં પાર્ટીની જીતનું મુખ્ય કારણ હિંદુ મતદારોનું એકીકરણ હતું. તેમનું માનવું છે કે આવું જ વાતાવરણ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભાજપની જીતની શક્યતાઓ મજબૂત કરી શકે છે.ઉત્તર પ્રદેશ, ગોવા અને પંજાબમાં ભાજપનાં સૂત્રો જણાવે છે કે જનગણના દરમિયાન ઊભી થનારી વહીવટી મુશ્કેલીઓ ટાળવા માટે ચૂંટણી થોડાં સપ્તાહ પહેલાં યોજાવાની શક્યતા છે, કારણ કે ચૂંટણી અને જનગણના બંને પ્રક્રિયામાં મોટા ભાગે સરકારી કર્મચારીઓની જ નિમણૂક થાય છે. સૂત્રો મુજબ ઉત્તરાખંડમાં ભાજપના નેતાઓ પણ વહેલી ચૂંટણીના પક્ષમાં છે.

કેજરીવાલે પણ વહેલી ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી

ગયા અઠવાડિયે પંજાબના પ્રવાસે ગયેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે પણ કહ્યું હતું કે પંજાબમાં આ વર્ષે નવેમ્બરમાં જ ચૂંટણી યોજાવાની શક્યતા છે. સામાન્ય રીતે ભાજપ નેતૃત્વ વહેલી ચૂંટણીના પક્ષમાં રહેતો નથી, કારણ કે 2004ની લોકસભા ચૂંટણી સમય પહેલાં યોજવામાં આવી હતી અને ત્યારે પાર્ટીને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.