હોકી વર્લ્ડ કપ 2026 માં ભારતનો ધમાકેદાર પ્રારંભ

પુરુષ હોકી વર્લ્ડ કપ 2026 (Men’s Hockey World Cup 2026) ની શાનદાર અને ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટનું આયોજન નેધરલેન્ડના સુંદર શહેર એમસ્ટેલવીનના પ્રસિદ્ધ વેગનર સ્ટેડિયમ (Wagner Stadium, Amstelveen) ખાતે કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના રમતપ્રેમીઓની નજર આ ટુર્નામેન્ટ પર ટકેલી છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મુકાબલો જોવા મળશે. દરમિયાન, ભારતીય હોકી ટીમે વેલ્સ સામેના પ્રથમ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એક અનોખો ઈતિહાસ રચી દીધો છે.

ટીમ ઈન્ડિયાએ રચ્યો અનોખો ઈતિહાસ

ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત વેલ્સ સામેના મુકાબલાથી કરી હતી. પ્રથમ મેચમાં પગ મૂકતાની સાથે જ ટીમ ઈન્ડિયા વિશ્વની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે હોકી વર્લ્ડ કપના અત્યાર સુધીના તમામ 16 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોય. ભારત સિવાય વિશ્વની કોઈ પણ ટીમ આ મોટો કારનામો કરી શકી નથી. જર્મની, સ્પેન અને નેધરલેન્ડ્સ જેવી વિશ્વની દિગ્ગજ ટીમોએ અત્યાર સુધી 15 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે.

પ્રથમ હોકી વર્લ્ડ કપ 1971 માં રમાયો હતો. ભારતીય ટીમે 1975 માં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તે પછીથી અત્યાર સુધી ટીમ કપ જીતી શકી નથી. આ વખતે ટીમ કેપ્ટન હરપ્રીત સિંહની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરી છે અને અનુભવી ખેલાડીઓની હાજરીને કારણે ફેન્સને જીતની મોટી આશા છે.

ભારતે વેલ્સને 3-1 થી હરાવ્યું

ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપમાં પોતાની સફરની ધમાકેદાર શરૂઆત કરતાં વેલ્સને 3-1 થી પરાજય આપ્યો છે. ટીમ માટે કેપ્ટન હરપ્રીત સિંહે 2 સરસ ગોલ કર્યા, જ્યારે 1 ગોલ સંજયના નામે રહ્યો. ભારતે મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ 2 ગોલ કરીને મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. મેચની 8th મિનિટે સંજયે પ્રથમ ગોલ કરીને વેલ્સ પર દબાણ બનાવ્યું હતું. ત્યારબાદ 11th મિનિટે હરપ્રીત સિંહે બીજો ગોલ નોંધાવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં હરપ્રીતે ટીમ માટે ત્રીજો ગોલ કરીને જીત સુનિશ્ચિત કરી દીધી હતી. વેલ્સે મેચના ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં પોતાનો 1 ગોલ નોંધાવ્યો હતો.