નવી દિલ્હીઃ અમેરિકાની ખુશામત કરવામાં લાગેલા શહેબાઝ શરીફ અને અસિમ મુનિર સામે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી શરત મૂકી હતી કે પાકિસ્તાનના શાસકોની ઊંઘ ઊડી ગઈ છે. ટ્રમ્પે પાંચ દેશોને અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની માગ કરી છે, જેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ વાતથી પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif) નારાજ થઈ ગયા અને તેમણે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો.
ખ્વાજા આસિફે કહ્યું હતું કે તેઓ ઇસ્લામાબાદ દ્વારા અબ્રાહમ સમજૂતીમાં જોડાઈને ઇઝરાયેલ સાથે સંબંધ સામાન્ય બનાવવાના પક્ષમાં નથી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેની વાતચીતમાં સામેલ મુસ્લિમ દેશોએ હવે અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કરવા જોઈએ. UAE અને બહેરિન પહેલેથી જ આ સમજૂતીના સભ્ય છે. જ્યારે સાઇદી અરેબિયા, કતાર, પાકિસ્તાન તુર્કી, ઇજિપ્ત અને જોર્ડન દ્વારા પણ આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ સમજૂતી ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે કૂટનીતિક, આર્થિક અને સુરક્ષા સંબંધો સ્થાપિત કરવા માટે કરવામાં આવી છે.
આ અમારી મૂળ વિચારધારા વિરુદ્ધ છે: આસિફ
ટ્રમ્પે કહ્યું હતું કે હાલના સભ્ય દેશોને આ સમજૂતીથી ઘણો લાભ થયો છે અને ભવિષ્યમાં તેના ફાયદા વધુ વધી શકે છે. ખ્વાજા આસિફે કહ્યું, “વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે આપણે એવી કોઈ સમજૂતીમાં જોડાવું જોઈએ, જે અમારી મૂળ વિચારધારાના વિરોધમાં હોય.

પાકિસ્તાનના વલણ પર શું બોલ્યા ખ્વાજા આસિફ?
પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને વધુમાં કહ્યું કે તેમનો દેશ લાંબા સમયથી આ વલણ પર અડગ છે કે 1967 પૂર્વની સરહદોને આધારે પૂર્વ યેરુશલેમને રાજધાની બનાવીને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાષ્ટ્રની સ્થાપના ન થાય ત્યાં સુધી તે ઇઝરાયેલને માન્યતા આપશે નહીં. તેમણે કહ્યું હતું કે અમારું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે આ અમને સ્વીકાર્ય નથી.
જેઓ પર રત્તીભર પણ વિશ્વાસ નથી, તેમની સાથે કેવી રીતે બેસી શકાય?
ખ્વાજા આસિફે વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊભા કર્યા. તેમણે પૂછ્યું હતું કે તમે એવા લોકો સાથે કેવી રીતે બેસી શકો જેમના શબ્દો પર રત્તીભર પણ વિશ્વાસ ન કરી શકાય? તેમણે પાકિસ્તાની પાસપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લખેલું છે કે તે ઇઝરાયેલની યાત્રા માટે માન્ય નથી.




