આફ્રિકામાં ઈબોલા વાયરસના પગલે ગુજરાત સરકાર સર્તક

સુરત: કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી. સતર્કતાના ભાગરૂપે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ગુજરાત સરકારને આપવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની આખી ટીમનું સુવ્યવસ્થિત આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ સજ્જતા અંગે વિગતો આપતા જણાવ્યું કે, “ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઈબોલાના શંકાસ્પદ દર્દીઓ માટે 10 આઈસોલેશન બેડની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વોર્ડમાં જ વેન્ટિલેટર, મોનિટર અને દર્દીને જરૂરી તમામ દવાઓ સાથેનું નર્સિંગ સ્ટેશન કાર્યરત કરી દેવાયું છે. સંક્રમણ ફેલાવાની શક્યતા ન રહે તે માટે શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ લિફ્ટ, અલગ ઓપીડી (OPD), સેપરેટ ડેટા એન્ટ્રી તેમજ તેમની એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા તદ્દન અલગ રાખવામાં આવી છે.”તેમણે વધુમાં કહ્યું કે, આ વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો.અશ્વિન વસાવાને ‘નોડલ ઓફિસર’ તરીકે નિયુક્ત કરાયા છે. R.M.O. ડૉ. કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાળા સહિતની ટીમ આ સમગ્ર આયોજનમાં સહયોગ આપી રહી છે. હોસ્પિટલના મેડિસિન, માઇક્રોબાયોલોજી અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ સહિતના ૭૫ જેટલા ડોક્ટર્સની વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ્સને પણ આ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવશે.” આફ્રિકાના દેશોમાં ઈબોલાના કેસો નોંધાતા રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. જોકે, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલાનો એક પણ કેસ નથી. સુરત સિવિલ પ્રશાસને પણ નાગરિકોને અપીલ કરી છે કે, આ માત્ર આગોતરી સલામતીના ભાગરૂપે કરાયેલી તૈયારીઓ છે, જેથી જનતાએ સહેજ પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

(અરવિંદ ગોંડલિયા, સુરત)