ભૂપેન્દ્ર પટેલ અને મનસુખ માંડવીયા વંદે ભારત ટ્રેનમાં સુરત પહોંચ્યા

સુરત: વૈશ્વિક ઇંધણ સંકટ (Fuel Crisis) અને ઊર્જા બચત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અપીલ કરી છે. જેને જીવનમાં ઉતારતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) એ ફરી એકવાર પોતાની સાદગીપૂર્ણ કાર્યશૈલીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.સુરત (Surat) ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધીનગરથી સુરત સુધી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન (Train) માં મુસાફરી કરીને આવ્યા હતા. કોઈ વિશેષ વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય મુસાફરોની જેમ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને બંને નેતાઓએ જનતા સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં ઊભી થયેલી વૈશ્વિક ઇંધણ કટોકટી વચ્ચે દેશવાસીઓને ઇંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહન અપનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. એવા સમયમાં મુખ્યમંત્રીની આ મુસાફરી માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ ઊર્જા બચત, સાદગી અને જવાબદાર જીવનશૈલીનો જીવંત સંદેશ બની રહી હતી.વંદે ભારત (Vande Bharat Train) જેવી આધુનિક ટ્રેનમાં સામાન્ય નાગરિકોની જેમ સફર કરીને બંને આગેવાનોએ બતાવ્યું કે જાહેર પરિવહન માત્ર સુવિધાજનક જ નહીં, પરંતુ રાષ્ટ્રહિતમાં જવાબદાર પસંદગી પણ બની શકે છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)