નવી દિલ્હીઃ અમેરિકાની કંપની ક્લાઉડફ્લેરે (Cloudflareએ) વિશ્વમાં 1100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ સંખ્યા કંપનીના કુલ સ્ટાફના આશરે 20 ટકા જેટલી છે. કંપનીએ આ છટણી પાછળનું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટુલ્સનો ઝડપથી વધતો ઉપયોગ અને ઓટોમેશન અનુસાર કામકાજનું પુનર્ગઠન હોવાનું જણાવ્યું છે. ક્લાઉડફ્લેર ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કાર્યરત કંપની છે. કંપનીના CEO મેથ્યુ પ્રિન્સે જણાવ્યું હતું કે મેની શરૂઆતમાં જ 20 ટકા સ્ટાફને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. સૌથી વધુ અસર મિડલ મેનેજમેન્ટ પર પડી છે. ખાસ કરીને ઓપરેશનલ અને મેનેજમેન્ટ વિભાગોમાંથી કર્મચારીઓ ઘટાડવામાં આવ્યા, કારણ કે હવે આ કામ AI સિસ્ટમ્સ દ્વારા ઓટોમેટ અથવા એકીકૃત કરી શકાય છે.
કંપનીએ મિડલ મેનેજમેન્ટ હેઠળની ઓપરેશન ટીમોને એકસાથે મર્જ કરી છે અને માર્કેટિંગ તથા ફાઇનાન્સ વિભાગના કેટલાક ભાગોને વધુ સુવ્યવસ્થિત બનાવ્યા છે. 2025ના અંત સુધીમાં કંપની પાસે 5156 ફુલ-ટાઇમ કર્મચારીઓ હતા. નોંધનીય છે કે કંપનીએ રેકોર્ડ આવક વૃદ્ધિ નોંધાવ્યા બાદ પણ આ છટણી કરી છે.
ક્લાઉડફ્લેર મુશ્કેલીમાં નથી
છટણી બાદ થોડા જ દિવસોમાં CEO મેથ્યુ પ્રિન્સે વોલ સ્ટ્રીટ જર્નલમાં લખેલા એક લેખમાં આ નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કંપની કોઈ આર્થિક મુશ્કેલીમાં નથી, પરંતુ બિઝનેસનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને ભવિષ્યમાં સફળ થવા માટે કંપનીએ પણ બદલાવ લાવવો જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે કંપનીએ રેકોર્ડ આવક વૃદ્ધિ મેળવી છે, ફ્રી કેશ ફ્લો મજબૂત છે અને દુનિયાભરમાં નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે. પ્રિન્સે એ પણ સ્પષ્ટ કર્યું કે કંપનીમાં ફક્ત નોકરીઓ જતી નથી, પરંતુ કેટલાક વિભાગોમાં રેકોર્ડ સંખ્યામાં નવી ભરતી પણ થઈ રહી છે.
કંપનીએ જણાવ્યું કે આ છટણી કર્મચારીઓના ખરાબ પ્રદર્શન અથવા ટૂંકા ગાળાના ખર્ચ ઘટાડવાના દબાણને કારણે કરવામાં આવી નથી, પરંતુ આંતરિક કામકાજ અને ભૂમિકાઓને નવી રીતે ગોઠવવાના ભાગરૂપે કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીમાં AI નો ઉપયોગ છ ગણાથી પણ વધુ વધ્યો છે, જેને કારણે ટીમોના કામ કરવાની પદ્ધતિમાં મોટા ફેરફારો આવ્યા છે.




