કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામાની કરી જાહેરાત

બેંગલુરુઃ બ્રેકફાસ્ટ બેઠક દરમિયાન કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ પોતાના કેબિનેટ સાથીદારોને જણાવ્યું કે તેઓ આજે બપોરે ત્રણ વાગ્યે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપશે. આ પહેલાં કર્ણાટકના ઉપ મુખ્ય મંત્રી ડી. કે. શિવકુમારે સિદ્ધારમૈયાની મુલાકાત લઈને તેમના પગે પડી આશીર્વાદ લીધા હતા અને બંને એકબીજાને ગળે મળ્યા હતા. આ બેઠક પહેલાં એવી માહિતી સામે આવી હતી કે મુખ્ય મંત્રીએ AICCના પ્રભારી મહાસચિવ રણદીપ સૂરજેવાલા સાથે ચર્ચા કરી હતી.

આ તરફ કર્ણાટક કોંગ્રેસે પોતાના X હેન્ડલ પર મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારની તસવીર શેર કરીને લખ્યું હતું કે તે દિવસ હોય, આજનો દિવસ હોય કે હંમેશ માટે… એકતા જ અમારી શક્તિ છે. જનસેવા જ અમારી શાશ્વત પ્રતિબદ્ધતા છે. વિધાયકોના એક જૂથે મુખ્ય મંત્રીને વિનંતી કરી છે કે તેમના ઉત્તરાધિકારીની પસંદગી માટે કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ (CLP)ની બેઠક બોલાવવામાં આવે. CLP બેઠકમાં નવા નેતાની પસંદગી થવાથી ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારની સંભાવનાઓને ઝટકો લાગી શકે છે, કારણ કે સિદ્ધારમૈયા ગૃહમંત્રી જી. પરમેશ્વરાને આ ટોચના પદ માટે સમર્થન આપી શકે છે.

રિપોર્ટ મુજબ દિલ્હીમાં અનેક મેરેથોન બેઠકો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા પર મુખ્ય મંત્રી પદ છોડવાનું દબાણ કર્યું હતું, ત્યાર બાદ તેમણે રાજીનામું આપવા સંમતિ દર્શાવી હતી. કહેવાય છે કે સિદ્ધારમૈયાએ શરૂઆતમાં બે સપ્તાહનો સમય માગ્યો હતો, જેથી તેઓ જાતિ ગણતરીનો અહેવાલ કેબિનેટમાં રજૂ કરી શકે, પરંતુ પાર્ટી નેતૃત્વ તાત્કાલિક નેતૃત્વ પરિવર્તનના પક્ષમાં હતું.

કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને યાદ અપાવ્યું કે 2023માં કોંગ્રેસની ભવ્ય જીત બાદ ડી.કે. શિવકુમાર સાથે અઢી-અઢી વર્ષના સત્તા વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતી થઈ હતી અને સિદ્ધારમૈયા પહેલેથી નક્કી કરેલી મુદત કરતાં વધુ સમય સુધી મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ બંધ દરવાજા પાછળ થયેલી બેઠકો દરમિયાન સિદ્ધારમૈયાને જણાવ્યું કે પાર્ટીની વિશ્વસનીયતા જાળવવા માટે જૂના વચનનું પાલન કરવું જરૂરી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગે,  સોનિયા ગાંધી અને પ્રિયંકા વડરા પણ નેતૃત્વ પરિવર્તનના સમર્થનમાં હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર સાથે સંયુક્ત તેમજ અલગ-અલગ બેઠકો કરીને પાર્ટીમાં એકતા જાળવવાની અપીલ કરી હતી.