કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) યોજના “લક્ષ્મી ભંડાર”ના અંદાજે 30 લાખ લાભાર્થીઓ અયોગ્ય હતા. આ એવા લોકો છે કે જેમનાં નામ મતદાર યાદીમાંથી કાયમી રીતે દૂર કરવામાં આવ્યા છે અથવા જેમણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત ટ્રિબ્યુનલમાં અથવા નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ નાગરિકતા માટે અરજી કરી નથી. નવી ભાજપ સરકાર હવે લક્ષ્મી ભંડાર યોજનાને સ્થાને “અન્નપૂર્ણા યોજના” શરૂ કરી રહી છે, જે 1 જૂનથી અમલમાં આવશે.
રાજ્ય વહીવટી મુખ્યાલયમાંથી યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે અમને લાગ્યું હતું કે લક્ષ્મી ભંડારના લાભાર્થીઓની યાદીની સંપૂર્ણ ચકાસણી થઈ ગઈ હશે, પરંતુ અમને અનેક ફરિયાદો મળી છે કે લગભગ 30 લાખ લોકો — જેમનાં નામ મતદાર યાદીમાંથી કાયમી રીતે દૂર કરવામાં આવ્યાં છે, જેમણે CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી નથી અથવા જેમણે કોઈ ટ્રિબ્યુનલમાં અપીલ નથી કરી — તેમને હજુ પણ પૈસા મળી રહ્યા છે. જ્યારે અમને ફોર્મ મળશે ત્યારે આ આંકડા વિશે વધુ સ્પષ્ટ માહિતી મળશે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં લક્ષ્મી ભંડાર યોજનાના લગભગ 2.2 કરોડ લાભાર્થીઓ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો હાલમાં લક્ષ્મી ભંડાર હેઠળ સહાય મેળવી રહ્યા છે, તેઓ અન્નપૂર્ણા યોજનાના ફોર્મ ભરીને મંજૂરી ન મળે ત્યાં સુધી સહાય મેળવતા રહેશે. સરકારનો મુખ્ય હેતુ અન્નપૂર્ણા યોજના શરૂ કરતાં પહેલાં લક્ષ્મી ભંડારમાંથી અયોગ્ય લોકોને દૂર કરીને સ્પષ્ટ યાદી તૈયાર કરવાનો છે.
તેમણે એવો પણ દાવો કર્યો કે મહિલાઓ માટે બનાવાયેલી આ યોજનાનો લાભ અનેક પુરુષોએ પણ લીધો છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે રકિબુલ શેખ, જેમના પિતાનું નામ મન્સૂર શેખ છે અને જે બહરામપુરના રાધરઘાટ-1 ગ્રામ પંચાયતના રહેવાસી છે, તેમને પણ લક્ષ્મી ભંડારના પૈસા મળી રહ્યા હતા. ચકાસણીના અભાવને કારણે આવી ગેરરીતિઓ થઈ છે. મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારે 2021માં લક્ષ્મી ભંડાર યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 25થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને 1700 રૂપિયા મળતા હતા. હવે ભાજપ સરકારે અન્નપૂર્ણા યોજના હેઠળ આ સહાય વધારીને 3000 રૂપિયા કરી દીધી છે.




