નવી દિલ્હીઃ અમેરિકી સેનાએ બુધવારે ઈરાન વિરુદ્ધ આ સપ્તાહની બીજી ‘રક્ષાત્મક’ કાર્યવાહી કરી હતી. અમેરિકાનું કહેવું છે કે અધિકારીઓએ ઈરાનની સૈન્ય ગતિવિધિઓમાં આક્રમકતા હતી. બે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ચાર ઈરાની ડ્રોનને તોડી પાડ્યા હતા અને એવા એક બેઝ પર હુમલો કર્યો, જ્યાંથી પાંચમો ડ્રોન લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી હતી. અધિકારીઓએ કહ્યું કે તેમને લાગ્યું હતું કે આ તમામ ડ્રોન હોર્મુઝ જળમાર્ગ માટે ખતરો બની શકે છે. સંવેદનશીલ સૈન્ય કાર્યવાહી અંગે ચર્ચા હોવાથી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે માહિતી આપી હતી.
કેબિનેટ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાજ્ય ટેલિવિઝનના એક રિપોર્ટને ફગાવી દીધો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનને એક અનૌપચારિક ડ્રાફ્ટ મળ્યો છે, જેમાં એક મહિનાની અંદર યુદ્ધ પૂર્વના સ્તરે કોમર્શિયલ શિપિંગ ફરી શરૂ કરવાની વાત હતી. આ ઉપરાંત આ ડ્રાફ્ટમાં ઈરાન અને ઓમાન મળીને જળમાર્ગના ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ એક દેશ આ જળમાર્ગ પર નિયંત્રણ નહીં રાખે. ટ્રમ્પે ઓમાન અંગે ચેતવણીભર્યા અંદાજમાં ટિપ્પણી કરી હતી, જ્યારે અમેરિકા અને ઓમાન વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય અને આર્થિક સંબંધો છે.
હોર્મુઝ જળમાર્ગ પર કોઈનું નિયંત્રણ નહીં
ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ પણ આ જળમાર્ગ પર નિયંત્રણ નહીં કરે. આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર છે અને ઓમાન પણ અન્ય દેશોની જેમ જ વર્તન કરશે, નહીં તો અમારે તેમને ઉડાવી દેવા પડશે. તેઓ આ વાત સમજે છે અને બધું ઠીક રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમને હાલ ઈરાન સાથે થયેલા કરારથી સંતોષ નથી. એ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવા અંગે કોઈ ચર્ચા કરી રહ્યું નથી. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માગે છે.




