પશ્ચિમ બંગાળની ધરતીમાં 240 મિલિયન બેરલ ઓઇલનો ખજાનો!

કોલકાતાઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને વિશ્વભરમાં ઓઇલ સપ્લાય અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે હવે પશ્ચિમ બંગાળના અશોકનગર ઓઇલ ફીલ્ડને લઈને ચર્ચા તેજ બની છે. કોલકાતાથી અંદાજે 48 કિલોમીટર દૂર નોર્થ 24 પરગણા જિલ્લામાં આવેલું આ ઓઇલ ક્ષેત્ર ફરીથી ઉત્પાદન શરૂ કરવાની ચર્ચામાં આવ્યું છે. ભારત હાલમાં મોંઘા કાચા તેલ અને વૈશ્વિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અશોકનગર ઓઇલ ફીલ્ડને દેશની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

અશોકનગરમાં કેટલું ઓઇલ છે?

ONGCએ વર્ષ 2018માં આ ઓઇલ ફીલ્ડની શોધ કરી હતી. તેને પૂર્વ ભારતનું પ્રથમ ઓઇલ અને ગેસ ઉત્પાદન ક્ષેત્ર માનવામાં આવે છે. અહેવાલો મુજબ અહીં 24 કરોડ બેરલથી વધુ કાચા તેલનો જથ્થો હોવાની શક્યતા છે. જો અહીં મોટા પાયે ઉત્પાદન શરૂ થાય તો ભારતની વિદેશથી થતી તેલ આયાત પરની નિર્ભરતા અમુક હદ સુધી ઘટી શકે છે.

દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક

આ મુદ્દાને નવી ગતિ ત્યારે મળી જ્યારે ભાજપ સાંસદ સમિક ભટ્ટાચાર્યે  દિલ્હીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનન સાથે મુલાકાત કરી હતી.આ બેઠકમાં પશ્ચિમ બંગાળના અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે અશોકનગર ઓઇલ ફીલ્ડમાં ફરી ડ્રિલિંગ શરૂ કરવાની બાબતે ચર્ચા થઈ હતી. સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે બંગાળમાં ઉદ્યોગોની સ્થિતિ નબળી પડી છે અને રાજ્યને ફરી આર્થિક રીતે મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે વડા પ્રધાન મોદીના “સોનાર બાંગ્લા” વિઝનની ચર્ચા કરતાં કહ્યું કે ભાજપે બંગાળના વિકાસ માટે વિશેષ રોડમેપ તૈયાર કર્યો છે.

પહેલાં કામ કેમ અટક્યું?

અહેવાલ મુજબ અશોકનગરમાં પહેલાં ડ્રિલિંગનું કામ શરૂ થઈ ગયું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલાં સ્થાનિક વિવાદો અને વિરોધને કારણે કામ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે ભાજપના નેતાઓનું માનવું છે કે રાજ્યમાં પાર્ટીની રાજકીય સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થઈ છે અને સત્તામાં આવવાને કારણે ONGC માટે ફરી કામ શરૂ કરવું સરળ બની શકે છે.