ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ (Freedom Fight) નો ઇતિહાસ માત્ર જેલ, ફાંસીના માંચડા અને જનઆંદોલનોમાં જ નહીં, પરંતુ રાજમહેલોની શાંત દિવાલોમાં પણ ધબકતો હતો. કેટલાક એવા દેશભક્તો પણ હતા, જેઓ પ્રકાશથી દૂર રહીને સ્વાતંત્ર્યની જ્યોતને જીવંત રાખતા હતા. આવું જ એક ગૌરવશાળી પરંતુ વિસરાયેલું નામ છે ધરમપુર (Dharampur) રજવાડાનાં રાજકુમાર ચંદ્રદેવજી હરિદેવજી(Chandradevji Haridevji). વીર વિનાયક દામોદર સાવરકર અને ધરમપુરના આ રાજકુમાર વચ્ચેનો સંબંધ માત્ર મિત્રતાનો નહોતો… એ રાષ્ટ્રપ્રેમ, બલિદાન અને ગુપ્ત સહયોગની અનોખી ગાથા હતી.
દરિયાની સફરમાં જન્મેલો સંબંધ
કુમાર ચંદ્રદેવજીનો જન્મ ૨૮ મે, ૧૮૮૬ના રોજ થયો હતો. આશ્ચર્યજનક સંયોગ એ છે કે વીર સાવરકર (Veer Savarkar)ની જન્મતારીખ પણ ૨૮ મે (૧૮૮૩) જ હતી. બંનેની પ્રથમ મુલાકાત ૯ જૂન, ૧૯૦૬ના રોજ મુંબઈથી લંડન જવા નીકળેલા ‘એસ.એસ. પર્શિયા’ જહાજમાં થઈ હતી. વેટરનરી સર્જનનો અભ્યાસ કરવા લંડન (London) જઈ રહેલા ચંદ્રદેવજી આ મુસાફરી દરમિયાન સાવરકરના સંપર્કમાં આવ્યા. સાવરકરના જ્વલંત રાષ્ટ્રવાદ, વક્તૃત્વ અને ક્રાંતિકારી વિચારોનો તેમની ઉપર એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે આ મુલાકાત જીવનભરના સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ.
જ્યારે બધા ડરી ગયા, ત્યારે ધરમપુર ઊભું રહ્યું
૧૯૧૦માં લંડનના વિક્ટોરિયા સ્ટેશન પર વીર સાવરકરની ધરપકડ થતાં સમગ્ર ભારતીય સમાજમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાવરકરના કેસ માટે ‘ડિફેન્સ ફંડ’ ઊભું કરવાની જરૂરિયાત ઊભી થઈ. ક્રાંતિકારી નિરંજન પાલ (Niranjan Pal) કે જેઓ બિપિનચંદ્ર પાલના પુત્ર હતા. જ્યારે આ ફંડ માટે ભારતીયો પાસે સહાય માગવા નીકળ્યા, ત્યારે અનેક ધનિક ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટિશ સરકારના ડરના કારણે મદદ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ આ સંજોગોમાં ધરમપુરના રાજકુમાર કુમાર ચંદ્રદેવજીએ પોતાની રાજવી ઓળખ, સત્તા અને ભવિષ્ય જોખમમાં મૂકીને સાવરકરના ડિફેન્સ ફંડ માટે ગુપ્ત રીતે £૫૦૦ (૫૦૦ પાઉન્ડ)નું દાન આપ્યું હતું.
તે સમયની દ્રષ્ટિએ આ રકમ અત્યંત વિશાળ ગણાતી હતી. આજના મૂલ્યાંકન પ્રમાણે તેની કિંમત આશરે એક કરોડ રૂપિયાની આસપાસ ગણાય. આ માત્ર આર્થિક સહાય નહોતી — આ તો સ્વાતંત્ર્યયજ્ઞમાં અપાયેલી મૌન આહુતિ હતી.
સાવરકરનો કેસ અને આંતરરાષ્ટ્રીય પડઘો
વીર સાવરકરનો કેસ માત્ર ભારત કે લંડન પૂરતો સીમિત નહોતો. જ્યારે સાવરકર માર્સેલ્સ બંદરે જહાજમાંથી સમુદ્રમાં કૂદી પડ્યા અને બ્રિટિશ પોલીસ (British Police) દ્વારા ફરી પકડાયા, ત્યારે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય કાનૂની ચર્ચાને જન્મ આપ્યો હતો. સાવરકરના બચાવમાં કાર્લ માર્ક્સના પૌત્ર અને જાણીતા ફ્રેન્ચ વકીલ જીન લોન્ગેટ (Jean Longuet)એ આંતરરાષ્ટ્રીય અદાલતમાં જોરદાર દલીલો કરી હતી. આ ઘટના દર્શાવે છે કે સાવરકરનો પ્રભાવ માત્ર ભારતીય સીમાઓ પૂરતો નહોતો, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પ્રતિધ્વનિત થતો હતો.
બ્રિટિશ સરકારની નજરમાં “અનિચ્છનીય સાથીદાર”
ચંદ્રદેવજીની ક્રાંતિકારી મથામણોથી બ્રિટિશ સરકાર સારી રીતે પરિચિત થઈ ચૂકી હતી. ૧૯૩૧ના સરકારી દસ્તાવેજોમાં નોંધાયું છે કે તેમની માનસિક સ્થિતિ “Undesirable Associates” — એટલે કે સાવરકર અને તેમના ક્રાંતિકારી સાથીઓના સંપર્કને કારણે પ્રભાવિત થઈ છે. બ્રિટિશ સરકારને ભય હતો કે આ રાજકુમાર રાજકીય પ્રતીક બની જશે. પરિણામે તેમને યરવડા (Yerwada Jail) માનસિક હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા. જેલ અને હોસ્પિટલની દીવાલો વચ્ચે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થયો, પરંતુ તેમનો દેશપ્રેમ ક્યારેય નબળો પડ્યો નહીં.
આ માત્ર દાન નહોતું…
ધરમપુર રાજવી પરિવારના ગૌરવદેવજી સિસોદીયા કહે છે, પોતાની સત્તા અને જીવન જોખમમાં મૂકીને સાવરકરના ક્રાંતિ યજ્ઞમાં આપેલી આ ગુપ્ત આહુતિ ચંદ્રદેવજીની અદ્વિતીય દેશભક્તિનું પ્રતીક છે. ધરમપુરનાં સ્થાનિક ઇતિહાસપ્રેમી દેવલ રાંચ કહે છે: આજે ખૂબ જરૂરી છે કે ધરમપુરના આ રાજકુમારનું યોગ્ય સ્મારક બને અને તેમને સત્તાવાર રીતે ‘સ્વાતંત્ર્ય સેનાની’નો દરજ્જો આપવામાં આવે. આ માત્ર એક વ્યક્તિના સન્માનનો મુદ્દો નથી, પરંતુ નવી પેઢીને એ સમજાવવાનો પ્રયાસ છે કે આઝાદીના મહાયજ્ઞમાં દેશના રજવાડાઓએ પણ મૌન પરંતુ અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
અંતિમ દિવસો અને અમર સ્મૃતિ
૧૯૪૩માં સાવરકરના ૬૦મા જન્મદિવસે ચંદ્રદેવજીએ ઉમંગભેર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમાં તેમણે સાવરકરની અજોડ દેશભક્તિને ગૌરવપૂર્વક નમન કર્યું હતું. આ સંદેશ ‘પ્રભાત’ (મુંબઈ)ના ૩૦ મે, ૧૯૪૩ના અંકમાં પ્રકાશિત થયો હતો.
(અરવિંદ ગોંડલિયા – સુરત)




