નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટ માટે આજે (31 માર્ચ) નાણાકીય વર્ષ 2025-26નો છેલ્લો દિવસ છે. આવતી કાલે એટલે કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થશે. આ નાણાકીય વર્ષ શેર બજાર માટે ખાસ સારું રહ્યું નથી. વિદેશી ફંડોએ ભારતીય બજારમાં વેચવાલી કરી હતી. ઊંચા વેલ્યુએશન અંગે ચિંતા યથાવત્ રહી છે. છેલ્લા ત્રિમાસિકમાં એન્થ્રોપિકના નવા AI ટૂલ્સ આવ્યા બાદ IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. ત્યાર બાદ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધના તણાવથી બજાર પર વધુ દબાણ આવ્યું, જેને કારણે બજારનું કુલ રિટર્ન નેગેટિવ રહ્યું હતું.
સેન્સેક્સ-નિફ્ટી બંનેએ આપ્યું નેગેટિવ રિટર્ન
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સેન્સેક્સે લગભગ 7 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું, જ્યારે નિફ્ટીએ આશરે 5 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું. લગભગ પાંચ વર્ષ પછી ભારતીય શેર બજારે નેગેટિવ રિટર્ન નોંધાવ્યું છે. આ પહેલાં 2019-20માં બજાર નેગેટિવ રહ્યું હતું. માર્ચ મહિનો ખાસ કરીને બજાર માટે ખૂબ નબળો રહ્યો — આ મહિનામાં સેન્સેક્સ 11.48 ટકા, નિફ્ટી 11.14 ટકા અને બેંક નિફ્ટી 15.95 ટકા સુધી ઘટ્યા. મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધને આ માટે મુખ્ય કારણ માનવામાં આવે છે.
નવા રોકાણકારોમાં વધુ નિરાશા
એક્સપર્ટ્સનું કહેવું છે કે બજારમાં આવેલી આ મોટા ઘટાડાથી રોકાણકારોમાં નિરાશા ફેલાઈ છે. ખાસ કરીને કોરોના કાળ દરમિયાન પ્રથમ વખત રોકાણ કરનારા રોકાણકારો માટે આ મોટો ઝટકો રહ્યો છે, કારણ કે તેમણે આવો મોટો ઘટાડો પહેલાં ક્યારેય જોયો નહોતો. જોકે, સામાન્ય રીતે બજારમાં ઘટાડો રોકાણ માટે તક માનવામાં આવે છે, પરંતુ આ વખતનો ઘટાડો અલગ પ્રકારનો છે. મધ્ય-પૂર્વને યુદ્ધને કારણે અનિશ્ચિતતા વધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમજૂતીના પ્રયાસો કરી રહ્યા હોવા છતાં ઇરાને હાલ સમજૂતી સ્વીકારી નથી. એ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાયેલા છે.

આ શેરોએ રોકાણકારોના પૈસા ડુબાવ્યા
કેટલાક મોટા શેરોએ રોકાણકારોને ભારે નુકસાન કરાવ્યું:
* TCS — 33 ટકાથી વધુ ઘટાડો (નવા AI ટુલ્સનો પ્રભાવ)
* ITC — લગભગ 29 ટકાનો ઘટાડો
* ઇન્ટરગ્લોબ એવિયેશન (ઇન્ડિગો) — 21 ટકાથી વધુ ઘટાડો
* ટ્રેન્ટ (ટાટા ગ્રુપ કંપની) — સૌથી વધુ, લગભગ 40 ટકાનો ઘટાડો




