મેમાં UPI ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડઃ ટ્રાન્ઝેક્શન વેલ્યુ રૂ. 29 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ મે મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને મૂલ્ય બંનેએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ત્રણ ટકા વધીને રૂ. 29.90 લાખ કરોડ સુધી પહોંચી, જ્યારે એપ્રિલમાં તે રૂ. 29.03 લાખ કરોડ હતી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડા મુજબ મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ચાર ટકા વધીને 23.20 અબજ થઈ ગઈ હતી, જે એપ્રિલમાં 22.35 અબજ હતી. એપ્રિલ, 2016માં UPIની શરૂઆત બાદ આ અત્યાર સુધીની સૌથી વધુ ટ્રાન્ઝેક્શન સંખ્યા અને વેલ્યુ છે.

કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) આકાશ સિંહાએ જણાવ્યું હતું કે ખરી વાત માળખાકીય પરિવર્તનની છે. RBIની પેમેન્ટ સિસ્ટમ રિપોર્ટ મુજબ UPIનું સરેરાશ ટિકિટ સાઇઝ 2021માં રૂ. 1848 હતું, જે 2025માં ઘટીને રૂ. 1313 થયું છે. આ ચિંતાનો વિષય નથી, પરંતુ વધુ પરિપક્વ બની રહેલા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું સૂચક છે.

UPI ટ્રાન્ઝેક્શનમાં મે મહિનાની આ વૃદ્ધિ એવા સમયે નોંધવામાં આવી છે, જ્યારે એપ્રિલમાં ટ્રાન્ઝેક્શન સંખ્યા 1.3 ટકા અને મૂલ્ય 1.7 ટકા ઘટ્યું હતું. તેનું મુખ્ય કારણ એપ્રિલમાં ઓછા દિવસો હોવું હતું. માર્ચમાં નાણાકીય વર્ષના અંતને કારણે ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ તુલનાત્મક રીતે વધુ રહ્યું હતું. મે મહિનામાં દૈનિક UPI ટ્રાન્ઝેક્શન વધીને 74.8 કરોડ થયું, જ્યારે એપ્રિલમાં તે 74.5 કરોડ હતું. આકાશ સિંહાએ વધુમાં જણાવ્યું કે ઊંચા મૂલ્યના ટ્રાન્ઝેક્શન હવે ઝડપથી ક્રેડિટ કાર્ડ મારફતે થઈ રહ્યા છે. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 2021ના રૂ. 8.9 લાખ કરોડથી વધીને 2025માં રૂ. 23.2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, UPI ભારતની દૈનિક અર્થતંત્રનું મુખ્ય ચુકવણીનું માધ્યમ બની ગયું છે, જેમાં સ્થાનિક વેપારીઓને ચુકવણી, પરિવહન અને ક્વિક કોમર્સ જેવા વ્યવહારોનો સમાવેશ થાય છે.

IMPS ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો

ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ના ટ્રાન્ઝેક્શનની સંખ્યા મે મહિનામાં થોડો ઘટાડો થઈને 35.8 કરોડ રહી, જ્યારે એપ્રિલમાં તે 36.2 કરોડ હતી. મૂલ્યના હિસાબે પણ તે રૂ. 7.01 લાખ કરોડથી ઘટીને રૂ. 6.96 લાખ કરોડ રહ્યું હતું. IMPSના દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા એપ્રિલના 1.208 કરોડથી ઘટીને મેમાં 1.155 કરોડ થઈ ગઈ.