દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત

ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે પાયાના ફેરફારો કરીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ખાસ કરીને આગામી વર્ષે જ્યાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તેવા પંજાબ જેવા મહત્વના રાજ્ય સહિત દેશના કુલ 4 રાજ્યોમાં ભાજપે પોતાના પ્રદેશ પ્રમુખો બદલી નાખ્યા છે. પાર્ટી હાઈકમાન દ્વારા નવા અધ્યક્ષોના નામોની સત્તાવાર જાહેરાત કરીને તેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ફેરફાર અંતર્ગત દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરાને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળ્યા છે. ભાજપે આ રાજ્યોમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે વહીવટી અને રાજકીય અનુભવ ધરાવતા નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

હર્ષ મલ્હોત્રા બન્યા દિલ્હી ભાજપના નવા બોસ

કેન્દ્ર સરકારે દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વીરેન્દ્ર સચદેવાની જગ્યાએ હર્ષ મલ્હોત્રાની નિમણૂક કરી છે. હર્ષ મલ્હોત્રા હાલમાં 18 મી લોકસભામાં પૂર્વી દિલ્હી સંસદીય મતવિસ્તારમાંથી સાંસદ છે. આ ઉપરાંત તેઓ કેન્દ્ર સરકારમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

તેમના રાજકીય કરિયરની શરૂઆત વર્ષ 2012 માં થઈ હતી, જ્યારે તેઓ પૂર્વી દિલ્હીના વેલકમ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2015 માં તેઓ પૂર્વી દિલ્હી નગર નિગમના (EDMC) મેયર બન્યા હતા. હર્ષ મલ્હોત્રા દિલ્હી ભાજપમાં મહામંત્રી તરીકે પણ સંગઠનનું કામ કરી ચૂક્યા છે. વર્ષ 2024 માં તેઓ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને સાંસદ બનવાની સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવ્યું હતું.

હરિયાણામાં જાણીતા તબીબ ડૉ. અર્ચના ગુપ્તાને કમાન

હરિયાણા ભાજપના સંગઠનમાં મોહન લાલ બડોલીના સ્થાને ડૉ. અર્ચના ગુપ્તાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ. અર્ચના ગુપ્તા હરિયાણાના જાણીતા રેડિયોલોજિસ્ટ છે. તેમનો આખો પરિવાર તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલો છે, જેમાં તેમના પતિ અનિલ ગુપ્તા આઈ સ્પેશિયાલિસ્ટ (આંખના નિષ્ણાત) છે અને પુત્રી આરૂષી પણ ડૉક્ટર છે. જ્યારે તેમના પુત્ર અવિરલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે.

ડૉ. અર્ચના પ્રદેશ પ્રમુખ બનતા પહેલા પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે સક્રિય હતા. તેમણે પાણીપતમાં 4 September 2016 થી 18 August 2020 સુધી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી અને પાણીપત જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ વિશ્વ હિન્દુ પરિષદના (VHP) સક્રિય સભ્ય રહ્યા છે અને વર્ષ 2010 થી 2016 સુધી જિલ્લા સહ સંયોજિકા તેમજ હરિયાણા વિએચપીના ઉપાધ્યક્ષ પદ પર રહી ચૂક્યા છે.

પંજાબમાં કેવલ સિંહ ધિલ્લોન સંભાળશે મોરચો

આગામી 2027 ની પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સુનિલ જાખડના સ્થાને પૂર્વ ધારાસભ્ય કેવલ સિંહ ધિલ્લોનને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. કેવલ સિંહ બરનાલા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ જૂન 2022 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના અત્યંત નજીકના નેતા માનવામાં આવતા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમને પહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને પંજાબ ભાજપ કોર કમિટીના સભ્ય પણ બનાવાયા હતા. હવે પંજાબમાં ભાજપનો આધાર વધારવા માટે તેમના પર મોરો ભરોસો મૂકવામાં આવ્યો છે.

ત્રિપુરાની જવાબદારી યુવા ધારાસભ્ય અભિષેક દેબરોયને

પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ભાજપે યુવા ધારાસભ્ય અભિષેક દેબરોયને પ્રદેશ પ્રમુખની નવી જવાબદારી સોંપી છે. અભિષેક ગોમતી જિલ્લાના મટરબારી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2023 ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ગોમતી જિલ્લાના કાકરબનના વતની છે અને હિમાંશુ દેબરોયના પુત્ર છે.

તેમણે વર્ષ 2020 માં રાજીવ ગાંધી હેલ્થ સાયન્સ યુનિવર્સિટી, કર્ણાટકમાંથી ફાર્મસીમાં સ્નાતક (Graduation) ની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2023 ની મટરબારી વિધાનસભા ચૂંટણીમાં અભિષેક દેબરોયે 51.06 ટકા મતો મેળવીને ભવ્ય જીત હાસિલ કરી હતી. આ ચૂંટણીમાં તેમને કુલ 25494 મત મળ્યા હતા અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર પ્રણાજીત રોયને 9041 મતોની વિશાળ સરસાઈથી હરાવ્યા હતા.