રૂ. 14,000 કરોડના હાઉસિંગ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

નવી દિલ્હીઃ નોઇડા અને યમુના એક્સપ્રેસવેના હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ઘર ખરીદદારોના હજારો કરોડ રૂપિયાના કથિત દુરુપયોગનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આરોપ છે કે બિલ્ડર્સે હોમબાયર્સ પાસેથી લેવામાં આવેલા પૈસા બાંધકામમાં ખર્ચવા બદલે અન્ય કંપનીઓ અને પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે ગંભીર વલણ અપનાવતાં કેન્દ્ર સરકાર, ED, RBI અને અનેક રિયલ એસ્ટેટ કંપનીઓ પાસેથી જવાબ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટે નોટિસો જારી કર્યા
CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે બુધવારે સુનાવણી દરમિયાન તમામ પક્ષોને નોટિસો જારી કરી હતી. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15 જુલાઈએ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ED, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), યુપી RERA, નોઇડા ઓથોરિટી અને યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) પાસેથી પણ જવાબ માગ્યો છે. યાચિકાકર્તા વંદના સભરવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ માત્ર એક પ્રોજેક્ટનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલા કથિત ફંડ ડાયવર્ઝનનું ઉદાહરણ છે. અરજી મુજબ બિલ્ડર્સ ઘર ખરીદદારો પાસેથી પૈસા લઈને બાંધકામમાં ખર્ચવાને બદલે પોતાની અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી દે છે. ત્યાર બાદ પ્રોજેક્ટ્સ દેવાળિયા (નાદાર) પ્રક્રિયામાં જવાની આશંકા છે અને ખરીદદારોને ન તો ઘર મળે છે અને ન તો પૈસા પરત મળે છે.

EDની તપાસમાં શું સામે આવ્યું?
EDની તપાસ મુજબ જયપ્રકાશ એસોસિયેટ્સ અને જયપ્રકાશ ઇન્ફ્રાટેકે 25,000થી વધુ ઘર ખરીદદારો પાસેથી અંદાજે 14,559 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આરોપ છે કે આ રકમનો ઉપયોગ બાંધકામ માટે કરવા બદલે અન્ય સંબંધિત કંપનીઓમાં કરવામાં આવ્યો હતો. EDએ અત્યાર સુધીમાં અંદાજે 400 કરોડ રૂપિયાની સંપત્તિઓ અટેચ કરી છે, જ્યારે કથિત ગેરવહીવટ 14,000 કરોડ રૂપિયાથી વધુનો હોવાનું કહેવામાં આવે છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે આ પ્રકારની સમસ્યા વારંવાર સામે આવી રહી છે. બિલ્ડર્સ પહેલાં ખરીદદારો પાસેથી પૈસા લે છે, એ પછી તે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દે છે અને અંતે કંપનીઓ નાદાર બની જાય છે. આવી સ્થિતિમાં હોમબાયર્સને સૌથી વધુ નુકસાન ભોગવવું પડે છે.