નવી દિલ્હીઃ EDએ બુધવારે વહેલી સવારે તિરુવનંતપુરમમાં કેરળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી તેમની દીકરીની IT કંપની એક્સાલોજિક સોલ્યુશન્સ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસને લઈને કરવામાં આવી છે. EDની 12 સભ્યોની ટીમ વહેલી સવારે બેકરી જંક્શન સ્થિત વિજયનના ઘરે પહોંચી હતી અને તપાસ અંતર્ગત તપાસ શરૂ કરી હતી. આ કાર્યવાહી ED દ્વારા વિજયનની દીકરી ટી વીણાની કંપની એક્સાલોજિક સોલ્યુશન્સ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયા બાદ કરવામાં આવી છે.
શું છે મામલો?
તપાસ એજન્સી રાજ્ય માલિકીની કોચિન મિનરલ્સ (CMRL) દ્વારા 2017થી 2020 દરમિયાન એક્સાલોજિક સોલ્યુશન્સને કરવામાં આવેલા આશરે 1.72 કરોડ રૂપિયાના ચુકવણાંની તપાસ કરી રહી છે. આવકવેરા આંતરિક સમાધાન બોર્ડે કથિત રીતે નોંધ્યું હતું કે કોઈ સેવા આપવામાં આવી નહોતી છતાં કંપનીને દર મહિને ચુકવણી કરવામાં આવતી હતી. બોર્ડે એ પણ જણાવ્યું હતું કે એક્સાલોજિક સોલ્યુશન્સ આ નાણાકીય લેવડદેવડ અંગે સંતોષકારક સ્પષ્ટતા આપવામાં નિષ્ફળ ગઈ હતી. વિજયનના નિવાસસ્થાન ઉપરાંત ED આ કેસ સાથે જોડાયેલાં કુલ 12 સ્થળોએ દરોડા પાડી રહી છે.
ભૂતપૂર્વ મંત્રી મોહમ્મદ રિયાસ, CMRL ઓફિસ અને અન્ય કેટલાંક સ્થળોએ પણ તપાસ ચાલુ છે. ED એ અગાઉ નાણાકીય વ્યવહારો સંબંધિત માહિતીને આધારે કેસ નોંધ્યો હતો અને ત્યાર બાદ તપાસ શરૂ કરી હતી. હાલમાં વધુ તપાસ ચાલુ છે.
CMRL ને કોર્ટમાંથી પણ ઝટકો
આ પહેલાં કેરળ હાઇકોર્ટે CMRL દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી, જેમાં લાંચ અને મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી રદ કરવાની માગ કરવામાં આવી હતી. ચુકાદા બાદ CMRLના વકીલે વચગાળાના સુરક્ષા આદેશને વધુ બે સપ્તાહ સુધી લંબાવવાની માગ કરી હતી, જેને કારણે કંપનીના અધિકારીઓને સમન્સ મોકલવામાં સ્ટે લગાવવામાં આવ્યો હતો. જોકે કોર્ટે આ માગ નામંજૂર કરી દીધી હતી. ED દ્વારા ગયા નાણાકીય વર્ષ દરમિયાન મની લોન્ડરિંગ કેસોમાં કરવામાં આવેલી ધરપકડોમાં આશરે 27 ટકા ઘટાડો નોંધાયો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન જપ્ત કરાયેલી સંપત્તિઓની કુલ કિંમત 81,000 કરોડ રૂપિયાથી વધુ રહી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ ગણાય છે.




