અમિત શાહના હસ્તે 340 કરોડના 84 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરૂવારે જિલ્લાના સોનીપુર ગામની મુલાકાત લીધી. અહીં યોજાયેલા કાર્યક્રમમાં રૂ. 340 કરોડના 84 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા, જ્યાં મંત્રીએ વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે બંનેએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું.

ગુજરાતનું વિકાસ મોડેલ આજે દેશભરમાં સ્વીકૃત બન્યું

અમિત શાહે જણાવ્યું કે, માત્ર ભૌતિક માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવો એ સરકારની પ્રાથમિકતા છે. CSR ફંડના માધ્યમથી ગામડાઓમાં લાઇબ્રેરી, તળાવનું બ્યુટિફિકેશન અને મનોરંજનના સ્થળો ઊભા કરીને ગામડાઓને શહેર જેવી સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનું વિકાસ મોડેલ આજે દેશભરમાં સ્વીકૃત બન્યું છે ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાનો સંકલ્પ તેમણે પુનરોચ્ચાર્યો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા અને વસ્તી વિષયક સંતુલન અંગે આકરા પાણીએ રહેલા ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર ઘૂસણખોરી રોકવા માટે મક્કમ છે. સરહદી વિસ્તારોમાં ફેન્સિંગની સાથે ડેમોગ્રાફિક ચેન્જ કમિશનની રચના દ્વારા દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. આ અવસરે તેમણે વીર સાવરકરના રાષ્ટ્રભક્તિ અને સામાજિક સુધારણાના કાર્યોને યાદ કરી તેમને નમન કર્યા હતા.

હરિયાળી લોકસભા બનાવવાની નેમ વ્યક્ત કરી 

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ગાંધીનગરને હરિયાળી લોકસભા બનાવવાની નેમ વ્યક્ત કરી 1 કરોડ વૃક્ષો વાવવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે દેશની સૌથી આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે, જે જ્ઞાન અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર સાબિત થશે. ડબલ એન્જિન સરકારના માધ્યમથી રાજ્યના દરેક નાગરિકને ઈઝ ઓફ લિવિંગ મળે અને 2047ના વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મોખરે રહે તે દિશામાં રાજ્ય સરકાર અવિરત કામ કરી રહી છે.