ગિરના સિંહોમાં બેબેસિઓસિસનો કહેર, વહેલા નિદાન-કડક પગલાં લેવા અપીલ

જૂનાગઢ: ગિર અને બૃહદ ગિર વિસ્તારમાં સિંહોના સ્વાસ્થ્ય પર ફરી એકવાર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિઓસિસ (Babesiosis) જેવા જીવલેણ રોગોના કારણે ગીરમાં આઠથી વધુ સિંહોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. આ ગંભીર પરિસ્થિતિ પર રાજ્યસભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.સિંહોના અકાળે થતા મોતોને રોકવા અને આ સંભવિત રોગચાળાને કાબૂમાં લેવા માટે પરિમલ નથવાણીએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને તાકીદનો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં સિંહોની તાત્કાલિક સારવાર કરવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવા વિનંતી કરી છે.

તંત્રની કામગીરી પર સંપૂર્ણ વિશ્વાસ

સિંહોના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “આ બાબત ચોક્કસપણે ચિંતાજનક છે. જોકે, મને વન વિભાગ અને ગીર નેશનલ પાર્કના મેનેજમેન્ટ પર સંપૂર્ણ ભરોસો છે કે તેઓ આ મુદ્દે પૂરતી તકેદારી અને ત્વરિત કાળજી લઈ રહ્યા હશે. સંક્રમિત સિંહોને વહેલી તકે આઇસોલેટ કરી સારવાર આપવા અને આ વાયરસને આગળ વધતો અટકાવવા માટે વન વિભાગની ટીમ ચોવીસ કલાક કાર્યરત રહેશે.”

વહેલું નિદાન અને મોનિટરિંગ સિસ્ટમ જરૂરી

પરિમલ નથવાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ગિર અને બૃહદ ગિર વિસ્તારમાં એશિયાટિક સિંહોની વસ્તી સતત વધી રહી છે, જેની સાથે તેમના સ્વાસ્થ્ય સંબંધિત જોખમો પણ વધ્યા છે. ખાસ કરીને CDV અને બેબેસિઓસિસ જેવા રોગો આખી વસ્તી માટે મોટો પડકાર બની શકે છે. આથી, ગ્રાઉન્ડ લેવલ પર જ રોગનું વહેલું નિદાન (Early Diagnosis), ઝડપી પ્રતિભાવ (Rapid Response) અને અસરકારક નિયંત્રણ માટે એક સુવ્યવસ્થિત ઓબ્ઝર્વેશન અને રિપોર્ટિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવી અત્યંત જરૂરી છે.

ફિલ્ડ સ્ટાફ માટે વિશેષ પ્રોટોકોલની ભલામણ

તેમણે વન મંત્રીઓ સમક્ષ ટ્રેકર્સ, બીટ ગાર્ડ, રાઉન્ડ સ્ટાફ અને વેટરનરી ટીમ માટે ખાસ “ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલ” સખત રીતે લાગુ કરવાની માંગ કરી છે. ફિલ્ડ સ્ટાફે સિંહોના વર્તન પર બારીકાઈથી નજર રાખવી જોઈએ. જેમ કે,

  • સિંહોનું અસામાન્ય વર્તન કે અતિશય ઉત્તેજના
  • શારીરિક નબળાઈ અને અસ્થિર ચાલ (દિશાહીનતા)
  • શ્વાસ લેવામાં તકલીફ થવી કે શરીર ધ્રુજવું (Tics)

એકથી વધુ સિંહો બીમાર દેખાય તો “હાઈ એલર્ટ”

પત્રમાં સૂચવવામાં આવ્યું છે કે જો કોઈ એક જ વિસ્તારમાં એક કરતાં વધુ સિંહોમાં આવા જ લક્ષણો જોવા મળે, તો તેને તાત્કાલિક “હાઈ એલર્ટ” ગણીને વરિષ્ઠ અધિકારીઓ અને વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને જાણ કરવી જોઈએ. દરેક શંકાસ્પદ કેસમાં સિંહોની સંખ્યા, ઉંમર, ચોક્કસ સમય, જીપીએસ (GPS) લોકેશન અને ફોટોગ્રાફિક રેકોર્ડ રાખવો જરૂરી છે. વળી, મૃત કે ગંભીર રીતે બીમાર પ્રાણીઓની બાબતમાં કોઈપણ અનધિકૃત વ્યક્તિની દખલગીરી રોકીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (SOP) મુજબ જ કડક કાર્યવાહી થવી જોઈએ.

લાંબાગાળાના ઉપાયો: શ્વાનનું રસીકરણ અને ટિક કંટ્રોલ

CDV નો ચેપ સામાન્ય રીતે જંગલની આસપાસના ગામડાઓના રખડતા શ્વાન (કૂતરાઓ) દ્વારા સિંહોમાં ફેલાવાની શક્યતા વધુ હોય છે. આથી પરિમલ નથવાણીએ લાંબાગાળાના પગલાં તરીકે આસપાસના વિસ્તારોમાં કૂતરાઓનું મોટાપાયે રસીકરણ કરવા, સિંહોના શરીરમાંથી ઇતરડી (Ticks) નાબૂદ કરવાના કાર્યક્રમો ચલાવવા, નિયમિત હેલ્થ મોનિટરિંગ કરવા તેમજ ફિલ્ડ સ્ટાફ માટે અદ્યતન ટ્રેનિંગ પ્રોગ્રામ અને હાઇટેક લેબ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ ઊભી કરવાની મહત્વપૂર્ણ ભલામણ કરી છે.

તેમણે અંતમાં ઉમેર્યું કે, બેબેસિઓસિસ જેવા રોગના કારણે સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના લીધે CDV જેવો વાયરલ ચેપ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી આ બંને રોગોને એકબીજા સાથે જોડાયેલા ગંભીર જોખમ તરીકે જોઈને વન વિભાગે ત્વરિત એક્શન લેવા જોઈએ.