કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘અપડેટેડ આવકપત્રક : નવી જોગવાઈ’
સ્નેહલ મુઝુમદાર (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

આ વર્ષે અંદાજપત્રમાં કરવેરાની જોગવાઈઓમાં છેલ્લા ચાલીસ વર્ષોની સરખામણીએ કદાચ સૌથી ઓછી છેડછાડ કરવામાં આવી છે એ આ અંદાજપત્રનું આગવું અને આવકાર્ય પાસું છે. જોકે નાણાં ખરડામાં કેટલીક વિસ્તૃત જોગવાઈઓ છે પણ એનાથી સામાન્ય કરદાતા ખરડાય એવી ઓછી.

અપડેટેડ આવક પત્રક ભરવાની જોગવાઈ લાવવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે કરદાતા આવકપત્રક ભરે ત્યારે એની પાસે અમુક વિગતો હોતી નથી પરંતુ ત્યાર બાદ આવકવેરા ખાતાની વેબસાઈટ પર ઉપલબ્ધ થતી વાર્ષિક માહિતીની યાદીમાં એ અમુક સોદાની વિગત ઉપલબ્ધ થાય છે. આ દરમિયાન રિવાઇઝ્ડ રિટર્ન ભરવાની મુદત પતી ગઈ હોય છે. આવા કિસ્સાઓમાં એની પાસે વિકલ્પો રહેતા નથી. હવેથી વધારાની આવક પરના આવકવેરો, વધારાનો પચીસ કે પચાસ ટકા વેરો અને વ્યાજ ભરીને અપડેટેડ રિટર્ન ભરી શકાશે. જોકે આ સૂચિત કલમનો લાભ કરદાતા આવક ઘટાડવા લઇ શકે નહીં. વળી ખોટના રીટર્નમાં કે જડતી-દરોડાવાળા કિસ્સાઓમાં એનો લાભ મળશે નહીં.

ક્રિપ્ટોકરન્સી પરના 30 ટકાને કરવેરા અગે ખાસ કકળાટ કરવા જેવું નથી કારણ કે મહદ્ અંશે લોકો આમાં ટૂંક ગાળાનો ધંધો કે સટ્ટો કરતા હતા અને જેની ઉપર આમ પણ એટલો કે ક્યારેક વધુ કરવેરો ભરવો પડતો.

કોવિડ અંગે મળતી સહાયને કરમુક્તિ આપવામાં આવી છે એ આવકાર્ય છે.