કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘બજેટ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે’

નીલેશ શાહ, કોટક મહિન્દ્રા ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના ગ્રુપ પ્રેસિડન્ટ અને એમડી

આ વખતના કેન્દ્રીય બજેટમાં વિકાસ, રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ત્રણ મુખ્ય શબ્દો છે. છેલ્લાં અનેક વર્ષોથી નીતિ ઘડતી વખતે આ ત્રણે પાસાંને કેન્દ્રમાં રાખવામાં આવે છે.

રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેથી લાંબા ગાળાના વિકાસનો મુદ્દો પાછળ ધકેલાઈ જશે એવી આશંકા હતા, પરંતુ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર આપ્યો છે. વળી, મહેસૂલી ખર્ચને બદલે મૂડીગત ખર્ચ તરફ ઝોક વધારે રખાયો છે. હાઉસિંગ, રેલવે, મેટ્રો અને શહેરી આયોજન જેવાં મુખ્ય ક્ષેત્રોમાં ખર્ચ વધારવામાં આવ્યો છે. સ્થાનિક ઉત્પાદન વધે એવી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ઇમ્પોર્ટ ડ્યૂટીનો વધારો, આયાત પરના કન્સેસનલ ચાર્જીસનો ઘટાડો, સ્થાનિક કંપનીઓ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે મૂડીગત ખર્ચમાં વધારો અને ઉત્પાદન માટેની નવી કંપનીઓ અર્થેના કરવેરાના ઓછા દરની જોગવાઈ વધુ એક વર્ષ માટે વધારવી એ બધાં પગલાંનો સમાવેશ થાય છે.

બજેટમાં આ વખતે વપરાશ વધે એ દૃષ્ટિએ માગને વધારવા માટેનાં પગલાંની જાહેરાત કરવામાં આવી નથી. વપરાશ સંબંધિત કરવેરા જીએસટી કાઉન્સિલ હેઠળ આવે છે તેથી વ્યક્તિગત કરવેરાના દરમાં ઘટાડો કરવામાં આવે એવી અપેક્ષા હતી, પરંતુ એમ થયું નથી.

ઉત્પાદન, નિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધાં ક્ષેત્રો કોવિડની અસરમાંથી બહાર આવી ગયાં છે, પરંતુ હજી વપરાશ વધ્યો નથી. ખાસ કરીને પાયાના સ્તરે વપરાશ વધ્યો નથી. જો વપરાશ વધે એવી જોગવાઈ કરાઈ હોત તો આર્થિક સુધારાનો વેગ હજી વધ્યો હોત.

ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો બોલર બેટ્સમેનને આઉટ કરવા માટે અલગ અલગ પ્રકારને બોલ નાખવા પ્રેરાતો હોય છે. જો એ લાઇન અને લેન્થ જાળવી રાખે તો ચોક્કસપણે વિકેટ મળે. આ જ રીતે બજેટ લાંબા ગાળાના વિકાસ અને બિઝનેસની સ્પર્ધાત્મકતા વધારવાના તથા નાગરિકોને વધુ સારી સેવાઓ આપવાના માર્ગ પર લક્ષ કેન્દ્રીત કરીને ચાલી રહ્યું છે.

આગામી સમયમાં ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય સેવાઓ અને હાઉસિંગ એ બધાં ક્ષેત્રો ધ્યાનમાં રાખવાં જેવાં રહેશે.